કમ્પાલાઃ યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પ્રતિબંધિત સરકારવિરોધી રેલીમાં ભાગ લેવા બદલ સંખ્યાબંધ દેખાવકારોની ધરપકડ કરાઈ હતી. પડોશી દેશ કેન્યામાં એક મહિનાથી ચાલતા સરકારવિરોધી સફળ દેખાવોથી પ્રેરણા લઈને મંગળવાર 23 જુલાઈએ શહેરના વિવિધ વિસ્તારોમાં દેખાવો અને ભ્રષ્ટાચારવિરોધી સૂત્રોચ્ચારોમાં ભાગ લેનારા સંખ્યાબંધ લોકોની પોલીસે ધરપકડ કરી હતી.
યુગાન્ડાના લોકોએ દેશમાં વ્યાપક ભ્રષ્ટાચારનો અંત લાવવા અને પાર્લામેન્ટરી સ્પીકર અનિતા આમોન્ગના રાજીનામાની માગણી ઉઠાવી છે. જાહેર ભંડોળનો દુરુપયોગ, માનવ અધિકારોના ભંગ અને દેશવ્યાપી ભ્રષ્ટાચાર સામે ઓનલાઈન કેમ્પેઈન હાથ ધરવામાં આવી છે. જોકે, પ્રેસિડેન્ટ મુસેવેનીએ વિરોધને કડક હાથે દાબી દેવાની ચેતવણી ઉચ્ચારી છે. યુગાન્ડામાં વિરોધના અધિકારને અંકુશિત કરતા કાયદા અમલી છે તેમજ પોલીસ દળ અને બખ્તરિયા વાહનોમાં સુરક્ષા અધિકારીઓને પાર્લામેન્ટની આસપાસ ખડકી દેવામાં આવ્યા છે.
દેખાવકારો ‘આગ સાથે રમત’ રમી રહ્યા છેઃ પ્રમુખ મુસેવેની
લગભગ ચાર દાયકાથી દેશ પર લોખંડી હાથે શાસન કરવા જાણીતા પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ ટેલિવિઝન પર પ્રવચનમાં દેખાવકારોને તેઓ ‘આગ સાથે રમત’ રમી રહ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે અરાજકતાનો અંત લાવવાના નિર્ધાર સાથે લોકોને ભ્રષ્ટાચારવિરોધી દેખાવોથી દૂર રહેવા ચેતવણી આપી હતી. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે દેશની શાંતિ અને સુરક્ષાને જોખમાવે તેવા દેખાવોને પરવાનગી નહિ અપાય.
પોલીસની ભારે હાજરી વચ્ચે દેખાવો અને હિંસા શેરીઓમાં પહોંચી ગઈ છે અને યુવાનો મોટા પાયે મુખ્ય વિપક્ષી નેતા બોબી વાઈનની તરફેણમાં બહાર આવી રહ્યા છે ત્યારે મુસેવેનીના વિરોધપક્ષો પર વ્યાપકપણે સખત કાર્યવાહી હાથ ધરાઈ છે. બોબી વાઈનની પાર્ટી નેશનલ યુનિટી પ્લેટફોર્મના વડા મથકને ઘેરી લઈ કડક જાપ્તામાં રખાયું છે અને કેટલાક સાંસદોની ધરપકડ કરાઈ હતી.
42 દેખાવકારો પોલીસ રિમાન્ડમાં સોંપાયા
યુગાન્ડાની રાજધાનીમાં રાજકીય નેતાઓના ભ્રષ્ટાચારના વિરોધમાં દેખાવો પર પ્રતિબંધ હોવાં છતાં, 23 જુલાઈએ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ ઓછામાં ઓછાં 42 યુવાનોને મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપી ઠરાવી પોલીસ રીમાન્ડમાં સોંપ્યા હતા. દેખાવકારોએ 30 જુલાઈથી 6 ઓગસ્ટની વચ્ચે કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે. દેખાવકારો મંગળવારે કમ્પાલાના વિવિધ માર્ગો પર સૂત્રોચ્ચાર અને વિરોધ દર્શાવતા ફર્યા હતા ત્યારે સંખ્યાબંધની ધરપકડ કરાઈ હતી. તેમને મંગળવારે રાત્રે જ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. યુગાન્ડા લો સોસાયટીની ટીમે શકમંદ દેખાવકારો વતી રજૂઆતો કરી હતી.