કમ્પાલાઃ યુગાન્ડામાં ૨૦૨૧ની પ્રમુખપદની ચૂંટણી પૂર્વે ક્યાડોન્ડો ઈસ્ટના સાંસદ રોબર્ટ ક્યાગુલાન્યી ઉર્ફે બોબી વાઈને નવા રાજકીય પક્ષ નેશનલ યુનિટી પ્લેટફોર્મ (NUP)ની રચના કરી હતી. તેમના પક્ષનું પ્રતીક છત્રી છે. વાઈને જણાવ્યું હતું કે તેઓ ટૂંકમાં જ પક્ષના વિવિધ હોદ્દેદારોના નામોની જાહેરાત કરશે. પ્રમુખપદની ચૂંટણી લડવા ઈચ્છુક વાઈને ઉમેર્યું હતું કે હવે અમારો રાજકીય પક્ષ છે. અમારી ઓળખ વિશે પ્રશ્રો પૂછનારાઓના તમામ જવાબો આપીએ છીએ. યુવા યુગાન્ડાવાસીઓમાં લોકપ્રિય બોબી વાઈને ગયા વર્ષે જાહેરાત કરી હતી કે ૨૦૨૧ની ચૂટણીમાં તેઓ પ્રમુખ મુસેવેનીને પડકારશે અને આ વર્ષે જાન્યુઆરીમાં પોલીસે તેમને અટકાવ્યા તે અગાઉ તેમણે લોકો સાથે સલાહ સંપર્ક શરૂ કરી દીધો હતો.
જોકે, છેલ્લાં કેટલાંક દિવસોમાં પ્રમુખપદના આ આશાસ્પદ ઉમેદવાર ખાસ કરીને કમ્પાલા અને જીંજા જિલ્લાઓમાં જુદાજુદા એફએમ રેડિયો સ્ટેશન અને ટેલિવિઝન સ્ટેશન પર વોટિંગ પહેલાં સમર્થન માટે ચમક્યા હતા.
યુગાન્ડાની ઝડપભેર વધતી જતી યુવા વસ્તીમાં વાઈનના ઘણાં સમર્થકો છે. તેમાંના ઘણાંનું કહેવું છે કે તેઓ મુસેવેનીની લાંબા સમયના શાસનથી થાકી ગયા છે. મુસેવેની ૧૯૮૬માં લશ્કરી બળવામાં સત્તા પર આવ્યા હતા. ઘણાં નિરીક્ષકોનું કહેવું છે કે તેઓ લોકશાહી ચૂંટણી દ્વારા સત્તા છોડે તે વિશે તેમને શંકા છે.