કમ્પાલાઃ યુગાન્ડાએ પ્રવાસનને ઉત્તેજન આપવા પર્યટકોને પુરાણી પરંપરાઓને દર્શાવવા સાંસ્કૃતિક ગામની ઝલક જોવા મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. રાજધાની કમ્પાલાની ભીડભાડથી દૂર પર્યટકો ગ્રામીણ મુકોનોમાં સાચા યુગાન્ડાને નિહાળી રહ્યા છે. એવાફે કલ્ચરલ વિલેજ એવું સ્થળ છે જ્યાં મુલાકાતીઓને ઈસ્ટ આફ્રિકામાં સૌથી મોટા વંશીય જૂથોમાં એક બાગાન્ડા લોકોના પરંપરાગત અને સાંસ્કૃતિક ધારાધોરણોનો વિશિષ્ટ અનુભવ કરવા દેવાય છે.
એવાફે કલ્ચરલ વિલેજ યુગાન્ડાની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીમાં અનોખો ખયાલ છે. માટી-ગારાની ફ્લોર સાથેની ઝૂંપડીમાં બેઠેલા મહેમાનોને ગરમાગરમ મટૂકી પીરસાય છે જે કેળના પાનના ઉપયોગથી રંધાયેલી છૂંદેલા કેળાની પરંપરાગત વાનગી છે. સામૂહિક ભોજન એ બાગાન્ડા લોકોની સદીઓ જૂની પરંપરા છે. એવાફે કલ્ચરલ વિલેજમાં મહેમાનોનું સ્વાગત પરંપરાગત નૃત્યકારો અને સંગીતકારો દ્વારા કરાય છે. આ પછી તેઓને તુંબડાના પરંપરાગત કપમાં કેળાંનો તાજો તૈયાર કરાયેલો જ્યૂસ પીરસાય છે
સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ મુકોનોમાં એવાફે કલ્ચરલ વિલેજ યુગાન્ડાની રાજધાની કમ્પાલાથી 30 કિલોમીટર દૂર આવેલું છે. યુગાન્ડામાં કલ્ચરલ ટુરિઝમની ખાઈને પૂરવા 30 વર્ષીય આઈશા નાબવાનિકાએ સાત મહિના અગાઉ કંપની સ્થાપી હતી. આધુનિક રસોઈકળામાં યુગાન્ડાની પ્રાચીન રીત-પદ્ધતિઓ ભૂલાઈ રહી છે ત્યારે કલ્ચરલ વિલેજમાં મુલાકાતીઓને યુગાન્ડાની પુરાણી પરંપરાઓનો પરિચય અને અનુભવ કરાવાય છે જેમાં, ખોરાકની પારંપરિક બનાવટનો સમાવેશ થાય છે.