કંપાલાઃ યુગાન્ડામાં ૨૬મી મેએ એક બસ ટ્રેક્ટરની ટ્રોલી તેમજ ટ્રકમાં ઘૂસી જતાં ૧૬ બાળકો સહિત ૪૮ વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. જેમાં ટ્રેક્ટર રાત્રે લાઇટ વિનાના રોડ પર ચાલ્યું જતું હોવાથી બસ ચાલક ટ્રેક્ટરને જોઈ શક્યો ન હતો અને બસ, ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી અને ત્યારબાદ ટ્રક સાથે અથડાઈ હતી ત્રણે વાહન ચાલકોના મૃત્યુ થયાં હતાં. યુગાન્ડાના પોલીસ પ્રવક્તા ઇમીલીઅન ડાઇનાએ માહિતી આપી હતી કે, રાહત ટીમ ઘાયલોને બચાવવા સતત કામ કરી રહી છે. રેડક્રોસના મહિલા પ્રવક્તાએ કહ્યું કે, ૧૬ બાળકો સહિત કુલ ૪૮ વ્યક્તિઓનાં મૃત્યુ થયા છે. આ અકસ્માત કંપાલાથી ૨૨૦ કિ.મી. ઉત્તરે કિરિયાન્ડોંગોમાં થયો હતો. બસ પ્રથમ ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ બીયર વહન કરતા ટ્રક સાથે ટકરાઈ હતી.
યુગાન્ડામાં માર્ગ સુરક્ષાની સ્થિતિ તદ્દન કંગાળ છે તે ઉપરાંત વાહનો અને માર્ગની સ્થિતિ પણ તેવી જ છે. તેમજ ચાલકો પણ ભયજનક ઝડપે ડ્રાઇવિંગ કરતા હોય છે. ૨૦૧૫-૧૭ વચ્ચે આ દેશમાં માર્ગ અકસ્માતમાં ૯૫૦૦ લોકોના મૃત્યુ નિપજ્યા હતા તેમ પરિવહન મંત્રાલયે આપેલા આંકડાથી સ્પષ્ટ થયું હતું. ત્યાં પ્રતિ વર્ષે સ્થિતિ વધુને વધુ કથળતી જાય છે.