કમ્પાલાઃ યુગાન્ડાએ મચ્છરના કારણે ફેલાતા યલો ફીવર રોગનો સામનો કરવા એપ્રિલ મહિનાથી સામૂહિક રસીકરણનું અભિયાન શરૂ કર્યું છે. હેલ્થ વિભાગ લાખોની સંખ્યામાં વેક્સિન આપવા સજ્જ છે પરંતુ, વેક્સિન લેવામાં ખચકાટના કારણે દેશની હોસ્પિટલોમાં સેંકડો ડોઝ ઉપયોગ વિના પડી રહ્યા છે. જીવલેણ યલો ફીવર વાઈરસ સામે કોઈ ચોક્કસ સારવાર નથી પરંતુ, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા મુજબ વેક્સિન આજીવન રક્ષણ આપી શકે છે.
ગયા વર્ષે જૂન 2023માં સરકારે 13 મિલિયન લોકોને વેક્સિન આપવા અભિયાન ચલાવ્યું હતું. 2023-2024ના ગાળામાં સામૂહિક રસીકરણ અભિયાનો મારફત 27 મિલિયન લોકોને યલો ફીવર સામે રક્ષણ આપવાનો આશય છે. પરંતુ, અત્યાર સુધી માત્ર 12 મિલિયન લોકોનું જ રસીકરણ કરી શકાયું છે. વેક્સિન લેવામાં ખચકાટ દેશમાં મચ્છરોથી ફેલાતા જીવલેણ રોગને નાબૂદ કરવાના સરકારના લક્ષ્યમાં અવરોધ સર્જે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ યલો ફીવર વૈશ્વિક આરોગ્ય સુરક્ષા અને ખાસ કરીને આફ્રિકા અને સાઉથ અમેરિકામાં ભારે જોખમરૂપ છે. WHOના જણાવ્યા મુજબ વિશ્વના યલો ફીવરના 90 ટકા કેસ આફ્રિકામાં જોવા મળે છે. આફ્રિકામાં યુગાન્ડા સહિતના 27 દેશો આ જીવલેણ રોગ માટે હાઈ રિસ્ક વર્ગીકૃત કરાયેલા છે. યુગાન્ડામાં આવતા અને દેશતી બહાર જતા પ્રવાસીઓ માટે યલો ફીવર વેક્સિન ફરજિયાત છે. આફ્રિકામાં દર વર્ષે યલો ફીવરના 84,000 થી 170,000ની વચ્ચે કેસીસ જોવાં મળે છે જેમાંથી, અડધોઅડધ મોતમાં પરિણમે છે.