કમ્પાલાઃ યુગાન્ડામાં ઈઝરાયલની સાયબર વેપન્સ કંપની NSOગ્રૂપ દ્વારા વેચાયેલા વિવાદાસ્પદ જાસૂસી ઉપકરણના ઉપયોગથી અમેરિકન ડિપ્લોમેટિક સ્ટાફના આઈફોન્સ હેક કરાયા હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. અજાણ્યા સૂત્રોને દર્શાવીને રોઈટર્સે જણાવ્યું કે ગયા ગુરુવારે યુગાન્ડાની યુએસ એમ્બેસીમાં ફરજ બજાવતા લગભગ નવ કર્મચારીઓને અજાણ્યા પક્ષોએ NSOના પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને લક્ષ્ય બનાવ્યા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સના અન્ય અહેવાલમાં આ સંખ્યા ૧૧ દર્શાવાઈ હતી. એમ્બેસીના સ્ટાફને એપલ તરફથી ચેતવણી મળી હતી કે ખૂબ દૂરથી હેકરો તેમના એપલ આઈડી સાથે સંકળાયેલા આઈફોનને હેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
NSOના પ્રવક્તાએ જણાવ્યું હતું તે આ અંગે તપાસ હાથ ધરશે અને કોઈપણ સરકારી તપાસમાં મદદ કરશે તેમજ તાત્કાલિક ધોરણે કેટલાંક ગ્રાહકોનો એક્સેસ રદ કરશે. આ હેકિંગ NSOએ કર્યું હતું કે NSOને તેના વિશે માહિતી હતી કે નહીં તે અંગે કોઈ સૂચના ન હતી.
અમેરિકી સરકારના અધિકારીઓને પેગાસસથી લક્ષ્ય બનાવાયા હોય તેવો જાણમાં આવેલો આ પહેલો કિસ્સો છે. તેને લીધે NSOપર યોગ્ય દેખરેખ રખાય છે કે નહીં તે મુદ્દે અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તંગદિલી વધી જશે.
પેગાસસ મિલિટરી કક્ષાનું સર્વેલન્સનું સાધન છે જે વપરાશકારની જાણ બહાર આઈફોનને અસર કરી શકે છે. તે વોઈસ કોલ મારફતે લોકેશનની વિગતો અને એક્રિપ્ટેડ ચેટ મેસેજિસ આંતરી શકે છે.