કમ્પાલાઃ દુનિયામાં સૌથી લાંબા સમયના સ્કૂલ શટડાઉનના અંતે લગભગ બે વર્ષ પછી યુગાન્ડાની સ્કૂલો ૧૦ જાન્યુઆરીને સોમવારથી ફરી શરૂ થઈ હતી. પરંતુ, બધી સ્કૂલો તેમના વિદ્યાર્થીઓને ફરી આવકારી શકે તેમ ન હતી. કમ્પાલાના પરાંવિસ્તારોમાં જ્યાં સ્કૂલો હતી તે ખંડેર બની ગઈ છે. કેટલાંક સ્કૂલ બિલ્ડીંગ વેચી દેવાયા હતા, જ્યારે અન્યને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે તોડી પડાયા હતા. કમ્પાલા કેપિટલ સિટી ઓથોરિટીએ જણાવ્યું હતું કે શહેરમાં ૪૦થી વધુ સ્કૂલો બંધ થઈ છે. જોકે, દેશભરમાં કેટલી સ્કૂલો ફરી શરૂ ખૂલી ન શકી તેની સંખ્યા પ્રાપ્ત થઈ નથી.
નાજેરાના પરાંવિસ્તારમાં આવેલી કિડકેર નર્સરી એન્ડ પ્રાઈમરી સ્કૂલ હવે બેવરેજીસનો ડેપો છે. ઘણી સ્કૂલોના છાપરાં ઉડી ગયા હતા. જ્યારે કેટલીક સ્કૂલોમાં ઉગેલા વૃક્ષોની નીચે બેસીને ભણવાની વિદ્યાર્થીઓને ફરજ પડી હતી.
ઘણી સ્કૂલો ફરી કદી ખૂલી નહીં શકે તેમાંથી કાવેમ્પે ડિવિઝનના કાલેર્વેની ગોડવિન્સ એક છે. ૨૦ વર્ષ ચાલુ રહેલી આ સ્કૂલમાં નજીકના કાલેર્વે માર્કેટમાં નોકરી કરતા પેરેન્ટ્સના બાળકો ભણતા હતા.
કોલસાના વેપારી હેરિઅટ નામુબિરુના આઠ અને દસ વર્ષના બે પૌત્ર સ્કૂલમાં ભણે છે. નામુબિરુએ જણાવ્યું કે સ્કૂલ બંધ થઈ તે ખૂબ તકલીફજનક છે. સ્કૂલના મેનેજમેન્ટે મિટીંગ બોલાવી અને કહ્યું કે ફરીથી સ્કૂલ ચલાવવાનું તેમના માટે અઘરું બન્યું છે તેઓ ફરી સ્કૂલ શરૂ નહીં કરે. આ વાત મિટીંગમાં હાજર પેરેન્ટ્સ માટે સહી શકાય તેવી ન હતી. કેટલાંક બેહોશ થઈ ગયા, કેટલાંક બીમાર થઈ ગયા.
દુનિયાભરમાં કોવિડ – ૧૯નું સંક્રમણ ફેલાતા યુગાન્ડામાં શિક્ષણકાર્ય બંધ કરાતાં માર્ચ ૨૦૨૦થી લગભગ ૧૫ મિલિયન જેટલાં વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા ન હતા. એજ્યુકેશન મિનિસ્ટર જહોન મુયીંગોએ જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓને તેઓ જે ક્લાસમાં હતા તેનાથી એક ધોરણ ઉપર ચડાવી દેવાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે બાળકો સલામત રીતે અભ્યાસ કરી શકે તે માટે તમામ સ્કૂલોએ ગાઈડલાઈન્સ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર્સનો અમલ કર્યો છે. તેમણે ઉમેર્યું કે કોઈપણ પ્રાઈવેટ સ્કૂલ ફીના મહામારી પહેલાના દર કરતાં વધુ રકમ માગશે તો તેના પર પ્રતિબંધ મૂકાશે.