લંડન
આફ્રિકન દેશ યુગાન્ડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તળાવના કિનારે રમી રહેલા એક બે વર્ષના બાળકને હિપ્પો ગળી ગયો હતો. પાંચ મિનિટ પોતાના મોંમાં રાખ્યા બાદ હિપ્પોએ બાળકને બહાર ઓકી કાઢ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે બાળકનો જીવ બચી ગયો છે. ઘટના એમ છે કે બે વર્ષનો પોલ ઇગા લેક એડવર્ડના કિનારા પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક એક હિપ્પો પાણીમાંથી બહાર આવ્યો અને બાળકને ખાઇ ગયો હતો. હિપ્પોએ ભયજનક રીતે બાળકને મોંમાં દબાવતા તેને ઇજાઓ થઇ હતી.
આ સમયે ક્રિસપસ બગોન્ઝા નામનો વ્યક્તિ ત્યાં હાજર હતો અને તેણે હિપ્પોને પથ્થર મારવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે હિપ્પોએ બાળકને ઓકી કાઢ્યો હતો.
યુગાન્ડા પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હિપ્પો દ્વારા બાળકનો શિકાર કરવાના પ્રયાસની આ પહેલી ઘટના છે. આવું પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. ક્રિસપસની બહાદૂરીના કારણે બાળકનો જીવ બચી ગયો હતો.
18 સપ્ટેમ્બર 2022ના રોજ કેન્યાની રાજધાની નૈરોબીમાં એક હિપ્પોએ એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને હિપ્પો આ વ્યક્તિનો ખભો ખાઇ ગયો હતો. 50 વર્ષીય ડેવિડ નજોરોગે તેના ઘેર જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં હિપ્પોએ હુમલો કર્યો હતો.