કમ્પાલાઃ યુગાન્ડામાં ૧૮ મહિના અને તે પછી હાલ પણ અમલી લોકડાઉનથી સ્કૂલોના ૧૫ મિલિયન જેટલાં બાળકોને શિક્ષણ મળવાનું સાવ બંધ નથી થયું. પરંતુ, તદ્દન ઓછું થઈ ગયું છે. ડો. મેરી ગોરેટ્ટી નાકાબુગોએ જણાવ્યું કે સ્કૂલો લાંબો સમય બંધ રહે તો વિવિધ સ્તરે કટોકટી સર્જાશે. પરંતુ, સરકાર તો જ્યાં સુધી વેક્સિન લેવાને પાત્ર બાળકોનું વેક્સિનેશન ન થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવા પર મક્કમ છે.
શૈક્ષણિક કારણોસર સ્કૂલો ફરી શરૂ કરવા માટે સરકાર પર દબાણ છે. આ ક્ષેત્ર લાંબા સમયથી બંધ રહેતા આર્થિક પરિણામોને પણ ધ્યાનમાં રાખવા પડે, કારણ કે પ્રાઈવેટ સ્કૂલોના માલિકોને બેંકની લોન ચૂકવવા માટે પ્રોપર્ટીની હરાજી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ઉચ્ચ કક્ષાની પ્રાઈવેટ અને પબ્લિક સ્કૂલોમાં ભણતા બાળકોના પેરેન્ટ્સ તેમના બાળકોને ઓનલાઈન શિક્ષણ મળી શકે તે માટે સાધનો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વાઈ – ફાઈનો ખર્ચ ઉઠાવી શકતા હોવાથી ત્યાં કોઈક પ્રકારે શિક્ષણ અને લર્નિંગ ચાલી રહ્યું છે.
પરંતુ, ગરીબ પરિવારોના બાળકોને પ્રવેશ આપતી ઘણી પબ્લિક સ્કૂલો બંધ છે અને તેમને પ્રિન્ટેડ લર્નિંગ મટિરિયલ પહોંચાડવાના સરકારના પ્રયાસોના અભ્યાસમાં જણાયું હતું કે માત્ર ૨૦ ટકા પરિવારોને જ આ સુવિધા મળી હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે શિક્ષણ ક્ષેત્ર કટોકટીમાં છે કારણ કે તેમાંના લોકો શિક્ષણ કેવી રીતે આપવું તે વ્યક્તિગત રીતે નક્કી કરે છે. મોટાભાગના બાળકો કોઈપણ રીતે અભ્યાસ કરી શકતા નથી. તેનાથી અસમાનતા વધી છે.