કમ્પાલાઃ યુગાન્ડા સરકાર વાંસની બનાવટો અને ખાસ કરીને ફર્નિચરની નિકાસ પર ભાર આપી રહી છે ત્યારે દેશમાં બામ્બુ ફાર્મિંગમાં વધારો થઈ રહ્યો છે. વાંસ ઝડપથી વધતો અને ગમે ત્યાં લઈ શકાય તેવો પાક છે અને સ્થાનિક કોમ્યુનિટીઓમાં તેનો ઉપયોગ બળતળ તરીકે પણ કરાતો હોઈ યુકેલિપ્ટસ-નીલગીરી અને અન્ય કુદરતી સ્રોતોની ઘટી રહેલી વન્ય અનામતો પરનું ભારણ ઓછું થાય તેમ છે.
પર્યાવરણના રક્ષક નિષ્ણાતો અનુસાર વાંસ ગમે તેવી જમીનમાં ઉગી શકે છે અને બિઝનેસીસ તેને રોકડિયા પાક તરીકે નિહાળે છે જેમાંથી નટુથપિકથી માંડી ફર્નિચર સુધીની આઈટમ્સ તૈયાર કરી શકાય છે. યુગાન્ડામાં ઉગાડાતી વાંસની કેટલીક જાતિ એશિયામાંથી આયાત કરાય છે પરંતુ, મોટા ભાગની જાતિ જંગલી પાકની માફક મેળવાય છે. યુકેલિપ્ટસ કરતાં વાસ ભારે ઝડપથી વધે છે અને જંગલી ઘાસની માફક ફરીથી ઉગી નીકળે છે. આથી, મોટા ભાગના ફાર્મ્સે યુકેલિપ્ટસની વાવણી ઘટાડી દીધી છે. વાંસના છોડ ત્રણથી પાંચ વર્ષમાં કપાવા માટે તૈયાર થઈ જાય છે અને સારી રીતે જાળવેલું પ્લાન્ટેશન ઓછામાં ઓછું 50 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
પશ્ચિમ યુગાન્ડાના મ્બારાબારા સિટીથી થોડા કિલોમીટરના અંતરે વિશાળ કોમર્શિયલ ફાર્મમાં સાત એકરમાં વાંસનું વન લહેરાય છે અને 10,000થી વધુ વાંસડા વેચાણ માટે તૈયાર હોય છે. આવાં ફાર્મ્સ વધી રહ્યાં છે. બેન્કો પણ વાંસના પ્લાન્ટેશન્સ માટે ધીરાણ આપી રહી છે. યુગાન્ડા સરકારે 10 વર્ષની પોલિસી તૈયાર કરી છે જેના અંતર્ગત 300,000 હેક્ટરમાં વાંસને વાવવાને ઉત્તેજન અપાશે અને 2029 સુધીમાં મોટા ભાગની ખાનગી જમીનોમાં વાંસની વાવણી કરાશે.