કમ્પાલાઃ યુગાન્ડાની પોલીસે સોમવાર પાંચ ઓગસ્ટે વિરોધપક્ષના 14 પદાધિકારીઓ અને સમર્થકોની ધરપકડ કરી છે. કેન્યા દ્વારા વિપક્ષી સાથીઓના જૂથને અટકમાં લઈ તેમને યુગાન્ડા દેશનિકાલ કરવાના નિર્ણય સામે આ સમર્થકોએ કેન્યાના દૂતાવાસ તરફ વિરોધકૂચ આદરી હતી. દરમિયાન, કમ્પાલાની નાકાવા ચીફ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે 36 વિપક્ષી સમર્થકો વિરુદ્ધ ત્રાસવાદ સંબંધિત આરોપો ઘડ્યા હતા. કેન્યા અને યુગાન્ડામાં યુવાનો અને વિપક્ષી કાર્યકરો દ્વારા સરકારવિરોધી દેખાવોએ જુવાળ પકડ્યો છે.
કેન્યાના સત્તાવાળાએ 23 જુલાઈએ યુગાન્ડાના વિપક્ષ ફોરમ ફોર ડેમોક્રેટિક ચેન્જ (FDC)ના 36 સભ્યોને અટકમાં લીધા હતા. આ લોકો ટ્રેનિંગ કોર્સ માટે કેન્યાના કિસુમુ ગયા હોવાનું ગ્રૂપના વકીલોએ જણાવ્યું હતું. આ લોકોને યુગાન્ડા દેશનિકાલ કરી દેવાયા હતા જ્યાં તેમની સામે ત્રાસવાદ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા હતા.
કેન્યામાં યુગાન્ડાના વિપક્ષી પદાધિકારીઓ સાથે કરાયેલા વ્યવહારના વિરોધમાં બે લોમેકર સહિત 14 વિપક્ષી સમર્થકો કેન્યાના દૂતાવાસ સમક્ષ વિરોધકૂચ કરી ગયા હતા અને તેમની ધરપકડ કરી લેવાઈ હતી. મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં આ લોકોએ ગુનાની કબૂલાતનો ઈનકાર કર્યો હતો. ચાર વ્યક્તિને જામીન પર મુક્ત કરાયા હતા જ્યારે બાકીનાને જેલમાં મોકલી અપાયા હતા. આ લોકોએ 7 ઓગસ્ટે કોર્ટ સમક્ષ હાજર થવાનું રહેશે.