કમ્પાલાઃ યુગાન્ડામાં પોલીસે 27 એપ્રિલે વિરોધી દેખાવોમાં જોડાયેલાં 11 વિપક્ષી મહિલા સાંસદોની ધરપકડ કરી હતી. કેટલાક સાંસદોને ઈજા પણ પહોંચી હતી. મહિલા સાંસદો પોલીસની ક્રુરતા અને બળપ્રયોગનો વિરોધ કરવા મિનિસ્ટ્રી ઓફ ઈન્ટર્નલ એફેર્સ ખાતે મિનિસ્ટરને આવેદનપત્ર આપવા જવા સરઘસ કાઢવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે પાર્લામેન્ટ બિલ્ડિંગ્સની બહાર જ તેમની અટકાયત કરાઈ હતી. પાર્લામેન્ટના ડપ્યુટી સ્પીકરે પોલીસ વ્યવહારની ભારે ટીકા કરી હતી. મહિલા સાંસદો સાથે પોલીસની ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. બીજી તરફ, પોલીસ પ્રવક્તાએ મહિલા સાંસદો ગેરકાયદે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ઓફિસરો દ્વારા બળપ્રયોગ કરાયાનો ઈનકાર કરી કેટલાક ઓફિસરને ઈજા પહોંચ્યાનું પણ જણાવ્યું હતું.