કમ્પાલાઃ યુગાન્ડામાં સજાતીય સંબંધો ગેરકાયદે છે ત્યારે માનવાધિકાર જૂથોને અવગણીને દેશમાં સજાતીય સંબંધો ધરાવવા બદલ નવી કડક સજા કે પેનલ્ટી લાદવા માગતો ખરડો પાર્લામેન્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્પીકર એનેટ અનિતા આમોન્ગે આ બિલ ચકાસણી માટે હાઉસ કમિટીને સુપરત કર્યું છે. આ બાબતે જાહેર સુનાવણી હાથ ધરાશે જેમાં સેક્સ્યુઅલ લઘુમતીને પણ ભાગ લેવાની તક મળશે.
સૂચિત કાયદા હેઠળ સજાતીય પ્રવૃત્તિમાં રાચતા અથવા પોતાને LGBTQ તરીકે જાહેર કરનારાને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. પાર્લામેન્ટરી પ્રોસેસ કેટલી લાંબી ચાલશે તે અસ્પષ્ટ છે. યુગાન્ડા સજાતીયતા મુદ્દે અસહિષ્ણુ છે પરંતુ, 1962માં બ્રિટનથી આઝાદી મેળવ્યા પછી પણ સંમતિ સાથે સજાતીય પ્રવૃત્તિ બદલ કોઈને સજા થઈ નથી. યુગાન્ડાના સાંસદોએ 2014માં ગે સેક્સમાં પકડાનારા લોકોને આજીવન કેદની સજા ફરમાવતું બિલ પસાર કર્યું હતું પરંતુ, કોર્ટે પાછળથી તે કાયદો રદ કર્યો હતો.