કમ્પાલાઃ યુગાન્ડામાં સજાતીયતાવિરોધી સંસ્થા ધ ઈન્ટર-રીલિજિયસ કાઉન્સિલ ઓફ યુગાન્ડા (IRCU)ને યુકે સરકાર દ્વારા નાણાભંડોળ અપાયું છે. આ ધાર્મિક સંસ્થાના નેતાઓ યુગાન્ડાના સજાતીયતાને ક્રિમિનલ અપરાધ બનાવતાં સૂચિત LGBTQવિરોધી કાયદાને ખુલ્લેઆમ ટેકો આપે છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર જર્નાલિઝમ એન્ડ સોશિયલ ચેન્જના રિપોર્ટ મુજબ યુગાન્ડામાં સજાતીયતાવિરોધી સંસ્થાઓ અને યુકે સહિત આંતરરાષ્ટ્રીય સહાય દાતાઓ વચ્ચે સ્પષ્ટ કડી જોવાં મળે છે.
ફેબ્રુઆરીમાં ચર્ચ ઓફ યુગાન્ડા સહિત IRCUના સભ્યોએ યુગાન્ડામાં ફેલાઈ રહેલી સજાતીયતા અને બાળકોના કલ્યાણ પર તેની ગંભીર અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ફોરેન ઓફિસે (FCDO) 2021થી આ વર્ષની શરૂઆત સુધીમાં યુગાન્ડા-ઓપન સોસાયટી પ્રોગ્રામ હેઠળ 134,900 પાઉન્ડની સહાય આપી હોવાને સમર્થન આપ્યું હતું. આ પ્રોગ્રામ માર્ચ 2024 સુધી ચાલવાનો હતો પરંતુ, LGBTQવિરોધી કાયદાને ટેકો આપવાના IRCUના નિવેદનોના પગલે ફેબ્રુઆરી 2023થી તેને યુકેની નાણાસહાય બંધ કરી દેવાઈ હતી.