કમ્પાલાઃ પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના ઉત્તર અને પશ્ચિમી વિસ્તારોમાં ગયા સોમવારે ઘણાં પેટ્રોલ પંપ ખાલી થઈ ગયા હતા. પેટ્રોલની અછતના કારણે ભાવો ખૂબ વધી ગયા છે. આ ગંભીર સ્થિતિને કારણે ભાવોમાં વધારો થયો છે જેનાથી કેટલાંક શહેરીજનોને પેટ્રોલનો ખર્ચ પરવડશે નહીં. હકીકતમાં, એક લીટર પેટ્રોલ ૧૨,૦૦૦ યુગાન્ડન શિલિંગ ($૩.૪૦) પર વેચાતું હતું. અગાઉ તે ૪,૦૦૦ શિલિંગમાં મળતું હતું.
એનર્જી મિનિસ્ટર રૂથ નાન્કાબિરવાએ અછતનો ગેરલાભ લઈને યુગાન્ડાવાસીઓ પાસેથી વધુ રકમ લઈને ન છેતરવા માટે ડીલરોને તાકીદ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે સરકાર ઉદાર અર્થતંત્રને અનુસરે છે જ્યાં બજારની માગ પ્રમાણે ચીજવસ્તુના ભાવ નક્કી કરવામાં આવે છે. પરંતુ પેટ્રોલનો ભાવ ૪,૦૦૦ થી વધારીને ૧૨,૦૦૦ યુગાન્ડન શિલિંગ કરી દેવો તે છેતરપિંડી છે.
કેન્યા સાથેની યુગાન્ડાની સરહદે સેંકડો ટ્રકોની કતાર લાગી ગઈ હતી. શહેરમાં, પણ મોટરસાયકલિસ્ટ અને કારચાલકો જ્યાં પેટ્રોલ મળતું હોય તેવા પેટ્રોલ સ્ટેશનોની શોધમાં અહીંતહીં ફરતા જણાયા હતા. તેમાંથી કેટલાકને તેમના સગાંસંબંધીઓએ તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું.
સિવિલ એન્જિનિયર જોએલ અદુબાએ જણાવ્યું કે ઘણા મિત્રોએ તેમને ફોન કરીને કહ્યું કે તેઓ અન્ય પેટ્રોલ પંપ પર જવાનો પ્રયાસ કરે છે અને તેમને પેટ્રોલ મળતું નથી. હાલ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે.