કમ્પાલાઃ યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીન દ્વારા ભારતીયો સહિત એશિયનોની દેશમાંથી હકાલપટ્ટી કરાયાના 52 વર્ષ પછી પ્રમુખ યોવેરી મુસેવેનીએ આ પગલાને ભૂલ ગણાવી હતી અને ભારતીયોએ દાયકાઓ દરમિયાન યુગાન્ડાને જે સેવાઓ આપી છે તે બદલ યુગાન્ડાની ભારતીય કોમ્યુનિટીનો આભાર વ્યક્ત કર્યો હતો. કમ્પાલામાં આયોજિત તટસ્થ રાષ્ટ્રો (NAM)ની 19મી સમિટમાં પ્રમુખ મુસેવેનીએ કરેલી ટીપ્પણી હકાલપટ્ટીની ઘટના પરત્વે ખેદની લાગણીનું દુર્લભ પ્રદર્શન છે. 20મી સદીમાં ભારતીય ડાયસ્પોરા માટે આ ઘટના ભારે આઘાતજનક બની રહી હતી.
યુગાન્ડાના ઈતિહાસના કાળાં પ્રકરણ સમાન આ ઘટના વિશે મુસેવેનીએ જણાવ્યું હતું કે, ‘યુગાન્ડામાં જે થયું તેવી ભૂલો ‘નામ’ દેશો પણ કરતા રહે છે. યુગાન્ડામાં 1960ના ગાળામાં આગળ વધી રહ્યું હતું ત્યારે ઈદી અમીન નામનો માણસ બ્રિટિશ સેલ્જર હતો, તે ગરીબ અને શિક્ષણ વિનાનો હતો. તેણે સરકાર કબજો કરી. ટુંક સમયમાં જ તેણે એશિયામાંથી અહીં આવી સ્થાયી થયેલા ભારતીયો અને પાકિસ્તાની સહિત એશિયનોની હકાલપટ્ટી કરી હતી.’
ઈદી અમીને ઓગસ્ટ, 1972માં અત્યાર સુધી દેશનો હિસ્સો બની રહેલા ભારતીયો અને અન્ય સાઉથ એશિયનોને દેશ છોડી જવા ફરમાન કર્યું હતું. હકાલપટ્ટી કરાયેલા આશરે 80,000 ભારતીયો અને હજારો પાકિસ્તાની અને બાંગલાદેશી નાગરિકોને યુકે, કેનેડા, કેન્યા અને ભારત સહિતના દેશોમાં આશ્રય લેવાની અને નવેસરથી જીવન શરૂ કરવાની ફરજ પડી હતી.
પ્રેસિડેન્ટ મુસેવેનીએ યુગાન્ડાના અર્થતંત્રના નિર્માણમાં ભારતીયોના યોગદાનની પ્રશંસા કરી હતી. (તેમણે કહ્યું હતું કે 19મી નામ સમિટ યોજાઈ છે તે કન્વેન્શન સેન્ટરનું નિર્માણ પણ ઈદી અમીનના નિર્ણયથી અસર પામેલા લોકોમાંથી એક દ્વારા કરાયું છે. લેક વિક્ટોરિયાના કાંઠે આવેલા કન્વેન્શન સેન્ટરનું નિર્માણ યુગાન્ડા સરકારના સહયોગમાં ભારતીય બિઝનેસમેન સુધીર રુપારેલિયા દ્વારા થયું છે.) તેમણે એમ પણ કહ્યું હતું કે યુગાન્ડાની આ પછીની સરકારોએ ઈદી અમીનના નિર્ણયને રદ કરી હકાલપટ્ટી કરાયેલા ભારતીયોન દેશમાં પરત ફરવા જણાવ્યું હતું અને આંચકી લેવાયેલી પ્રોપર્ટીઝ પણ પરત કરી હતી.