ટ્યુનિસઃ યુરોપ પહોંચવા માટે લીબીયાથી ભૂમધ્ય સમુદ્ર પાર કરવાનો પ્રયાસ કરી રહેલા ૧૭૮ માઈગ્રન્ટને ટ્યુનિશિયાના નેવીએ બચાવ્યા હોવાનું તેની ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું. એક નિવેદનમાં જણાવાયું હતું કે ટ્યુનિશિયાના દક્ષિણ દરિયાકિનારે ત્રણ ઓપરેશનમાં બે મૃતદેહ મળી આવ્યા હતા અને ૧૭૮ માઈગ્રન્ટને બચાવી લેવાયા હતા.
તેઓ ઈજિપ્ત, ટ્યુનિશિયા, સીરિયા, આઈવરી કોસ્ટ, બાંગ્લાદેશ, નાઈજીરીયા, માલી અને ઈથિયોપિયાના હતા અને લીબિયાના ઝુવારા પોર્ટથી નીકળ્યા હતા.
ગયા મેમાં યુરોપિયન યુનિયનના હોમ અફેર્સ કમિશનર યીવા જોહાનસન માઈગ્રેશન અંગે ડીલ કરવા ટ્યુનિશિયા પહોંચ્યા હતા.
ઈયુ સાથે થયેલી ડીલ મુજબ ટ્યુનિશિયાને તેના દરિયાકિનારેથી માઈગ્રન્ટ સાથે આવતી બોટોને અટકાવવાના બદલામાં ઈયુને આર્થિક સહાય અપાશે. ઈટાલીએ બે દેશો વચ્ચે સહકાર સમજૂતીના ભાગરૂપે ટ્યુનિશિયામાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ૨૦૦ મિલિયન યુરોની રકમ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ઈયુ આ પ્રકારની ડીલ માટે લીબિયા સાથે ચર્ચા કરી રહ્યું છે.
ટ્યુનિશિયાની ઓથોરિટીએ જણાવ્યું કે લીબિયાથી દરિયો પસાર કરવાનું શરૂ કરનારા ૨૬૭ માઈગ્રન્ટ્ને તેમણે આંતર્યા હતા. તેમાંથી મોટાભાગના બાંગ્લાદેશી હોવાનું ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (IOM) દ્વારા જણાવાયું હતું.
રેડ ક્રેસન્ટના અધિકારી મોંગી સ્લીમે જણાવ્યું કે દક્ષિણ ટ્યુનિશિયામાં માઈગ્રન્ટના સમાવેશ માટેના સેન્ટરો ભરાઈ ગયા હતા.
IOMના આંકડા મુજબ ગયા જાન્યુઆરીથી યુરોપ પહોંચવાની આશા રાખતા ૧,૦૦૦થી વધુ માઈગ્રન્ટ લીબિયાથી નીકળ્યા હતા અને ટ્યુનિશિયામાં અટવાયા હતા.