નાઈરોબીઃ / કમ્પાલાઃ આફ્રિકાની ઉબુન્ટુ ફીલોસોફીમાં ઋણ ઉતારવું કે પરત કરવું તે અવિભાજ્ય હિસ્સો છે જેના થકી વ્યક્તિના નહિ પરંતુ, પરિવાર અને સમાજના મહત્ત્વ પર ભાર મૂકાય છે. હવે મોટા ભાગનો યુવા વર્ગ આ ફીલોસોફીને બિનજરૂરી અને અયોગ્ય બોજા સમાન માને છે. કેન્યાની 23 વર્ષીય ઈન્ફ્લુએન્સર એલ્સા માજિમ્બોના ટિકટોક વીડિયોએ સોશિયલ મીડિયામાં ભારે હલચલ મચાવી હતી જેમાં તેણે કહ્યું હતું કે તમારા ઘેર અથવા વિસ્તૃત પરિવાર-સગાંસંબંધીને નાણા મોકલવાની પ્રથાને હું ધિક્કારું છું. એલ્સા આ પ્રથાને બ્લેક ટેક્સ તરીકે પણ ઓળખાવે છે.
અશ્વેત આફ્રિકનો વતન કે વિદેશમાં થોડીઘણી સફળતા પ્રાપ્ત કરે ત્યારે તેમણે ઓછું કમાતા પરિવારના સભ્યોને સપોર્ટ કરવાની સમસ્યાનો સામનો કરવાનો થાય છે. જોકે, તેઓ જે રીતે ઉછર્યા છે તે કોમ્યુનિટીની ભાવનાના કારણે સગાંસંબંધીઓને મદદ કરવાનું નકારી શકતા નથી. મુશ્કેલી પડવા છતાં પરિવારને મદદ કરવામાં તેઓ ગર્વ અનુભવે છે.
ઈન્ટરનેશનલ ફંડ ફોર એગ્રિકલ્ચરલ ડેવલપમેન્ટ અનુસાર 2023માં આફ્રિકન માઈગ્રન્ટ્સ દ્વારા આશરે 95 બિલિયન ડોલર (72 બિલિયન પાઉન્ડ) તેમના ઘેર-પરિવારને મોકલાયા હતા જે કેન્યાના અર્થતંત્રની લગભગ સમકક્ષ હતા. વિદેશ રહેતા આફ્રિકનો ઘણા નાણા રળતા હોવાની માન્યતાથી પણ લોકો વધુ અપેક્ષા રાખે છે. હવે વિદેશસ્થિત આફ્રિકનો પોતાના ભવિષ્ય માટે બચત કરવાનું વિચારતા હોવાથી ઘેર નાણા મોકલવાનું ઓછું વિચારે છે. ધનવાન દેશોથી વિપરીત ઘણા આફ્રિકન દેશોમાં પાયાની સુવિધા સિવાય હેલ્થકેરની ચૂકવણી કરાતી નથી, પૂરતું પેન્શન કે બાળકોના શિક્ષણની વ્યવસ્થા હોતી નથી. આથી, પરિવારમાં સારી કમાણી હોય તેના શિરે મોટા ભાગનો ખર્ચ ઉપાડવાનો આવે છે.