નાઈરોબીઃ જળવાયુ પરિવર્તન કે ક્લાઈમેટ ચેન્જ માટે ફોસિલ ફ્યૂલ્સ એટલે કે પેટ્રોલ, ડિઝલ અને કોલસાના બળવાની થીઅરીને કેન્યાના 29 વર્ષીય ખેડૂત જૂસ્પેર માચોગુ જરા પણ માન્ય રાખતા નથી. ઉલટાનું આફ્રિકામાં તેઓ ફોસિલ ફ્યૂલ્સના હિમાયતી ગણાય છે અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે.
જૂસ્પેર માચોગુ માનવસર્જિત ક્લાઈમેટ ચેન્જ થીઅરીને નકારી રહ્યા છે ત્યારે તેમને હજારો ડોલર દાનમાં મળી રહ્યા છે. પશ્ચિમી દેશોના ફોસિલ ફ્યૂલ હિતો સાથે સંકળાયેલા લોકોનો પણ તેમાં સમાવેશ થાય છે. જોકે, આ દાનના કારણે તેમનો મત સર્જાયો હોવાનું નકારતા માચોગુ કહે છે કે વાસ્તવમાં ક્લાઈમેટ ચેન્જ કુદરતી પ્રક્રિયા છે. હુફાળી આબોહવા જીવન માટે સારી છે. માચોગુ હેશટેગ #ClimateScamસાથે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સમાં દલીલો મૂકી આબોહવા કટોકટી નહિ હોવાનું ભારપૂર્વક કહે છે. બીજી તરફ, વિજ્ઞાનીઓએ સાબિત કર્યું છે કે આપણે ફોસિલ ફ્યૂલ્સ બાળીએ છીએ ત્યારે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસીસ વછૂટવાથી પૃથ્વી ગરમ થઈ રહી છે.