કમ્પાલાઃ ગયા જાન્યુઆરીમાં યુગાન્ડાના પ્રમુખપદે છઠ્ઠી ટર્મ માટે ચૂંટાયેલા યોવેરી મુસેવેનીએ પાટનગર કમ્પાલામાં યોજાયેલા સમારોહમાં શપથ ગ્રહણ કર્યા હતા. વિપક્ષ દ્વારા દેખાવોને ટાળવા માટે શહેરમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સત્તાવાર પરિણામો પ્રમાણે મુસેવેનીને આ ચૂંટણીમાં ૫૮ ટકા મત મળ્યા હતા. જ્યારે ચૂંટણીને છળકપટયુક્ત ગણાવનારા તેમના મુખ્ય હરીફ બોબી વાઈનને ૩૫ ટકા મત મળ્યા હતા.
આ સમારોહમાં આફ્રિકન દેશો - કેન્યા, ટાન્ઝાનિયા, ઈથિયોપિયા, ઝિમ્બાબ્વે, સોમાલિયા, બુરુન્ડી, ડીઆર કોંગો, ઘાના, સાઉથ સુદાન, ગુયાના અને નામિબિયાના વડા તેમજ ચીની અને રશિયન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વિપક્ષી નેતાઓ બોબી વાઈન અને કિઝા બેસિગ્યેએ જણાવ્યું કે તેમના ઘરોને સશસ્ત્ર પોલીસ અને મિલિટરીએ ઘેરી લીધા હતા. બોબી વાઈને જણાવ્યું કે તેમને ઘર બહાર નીકળવા દેવાયા ન હતા. સરમુખત્યાર મુસેવેનીએ ચૂંટણીમાં ગેરરીતિ આચરી હતી અને યુગાન્ડાવાસીઓને તેમના હક્કોથી વંચિત રાખ્યા હતા. લોકો આ સમારોહનો વિરોધ કરશે તેવું માનીને તે ગભરાય છે. બોબી વાઈને ઉમેર્યું કે અમે શાંતિપૂર્ણ પગલાં દ્વારા તેમને સત્તા પરથી દૂર કરવાની લડત ચાલુ રાખીશું અને તે ટૂંક સમયમાં જ આવશે.
યુગાન્ડા પોલીસના પ્રવક્તા ફ્રેડ એનાન્ગાએતે બન્નેના ઘરની આસપાસ પોલીસની હાજરીને સામાન્ય રીતે વીઆઈપી માટેની સુરક્ષા વ્યવસ્થા ગણાવી હતી. તેમણે ઉમેર્યું કે કેટલાંક લોકો શપથ સમારોહમાં ખલેલ પહોંચાડવા માગતા હોવાના ગુપ્તચર વિભાગના અહેવાલો હતા. તેથી અમે વિપક્ષી નેતા બોબી વાઈન અને બેસિગ્યે સહિત કેટલાંક નેતાઓની સલામતી માટે તકેદારી લીધી હતી. તેમણે ઉમેર્યું કે બોબી વાઈન દ્વારા સમાંતર શપથ વિધિ યોજવાનો પ્રયાસ થયો હતો. પરંતુ, આ ગેરકાયદે હોવા અંગે તેમને ચેતવવા જોઈએ.