કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી નેતા, નોબેલ પુરસ્કાર વિજેતા અને આર્ચબિશપ ડેસમન્ડ ટૂટૂનું ગયા રવિવારે ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. તેમનું ફ્યુનરલ ૧ જાન્યુઆરીને રવિવારે યોજાયું હતું. કેપ ટાઉનના સેન્ટ જ્યોર્જ એંગ્લીકન કેથેડ્રલમાં તેમના માનમાં રેક્વિયમ માસ યોજાઈ હતી. પ્રમુખ સીરિલ રામાફોસાએ આર્ચબિશપના વિધવાને રાષ્ટ્ર ધ્વજ અર્પણ કરતા પહેલા વક્તવ્ય આપ્યું હતું.
ડેસમન્ડ ટૂટૂ દક્ષિણ આફ્રિકામાં એંગ્લીકન ચર્ચના પ્રથમ અશ્વેત નેતા બન્યા હતા. નેલ્સન મંડેલા અને આફ્રિકન નેશનલ કોંગ્રેસના અન્ય નેતાઓ જેલમાં હતા ત્યારે તેઓ ૧૫ વર્ષ સુધી દેશના સૌથી અગ્રણી રંગભેદ વિરોધી રહ્યા હતા. તેમણે દેશ - વિદેશમાં અશ્વેત મુક્તિ સંઘર્ષનું નેતૃત્વ સંભાળ્યું હતું.
પ્રમુખ પીડબલ્યૂ બોથા તેમને એક નંબરના જાહેર શત્રુ ગણાવતા હતા. તેમની સામે હેટ કેમ્પેઈન ચલાવાયું હતું અને તેમને મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. બે વખત તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવાયો હતો અને તેમની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને લીધે તેઓ જેલમાં જતા બચી ગયા હતા. ૧૯૮૪માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર અપાયો હતો.
ડેસમન્ડ મ્પીલો ટૂટૂનો જન્મ ૧૯૩૧માં જોહાનિસબર્ગની પશ્ચિમે ક્લર્ક્સડોર્પ ટાઉનની બ્લેકટાઉનશીપમાં થયો હતો. તેઓ ચાર સંતાનો પૈકી બીજા હતી. તેમના પિતા ટીચર હતા. તેમની માતા બ્લાઈન્ડ સ્કૂલમાં કૂક અને ક્લિનર તરીકે કામ કરતા હતા. બાળપણમાં જ તેમને પોલિયોની બીમારી થઈ હતી. તેમનો જમણો હાથ નબળો પડી જતાં તેમને ડાબા હાતે લખવાની ફરજ પડી હતી.
તેમના પરિવારે ટ્રાન્સવાલના વેન્ટર્સડોર્પ સ્થળાંતર કર્યું હતું. ત્યાં તેઓ આફ્રિકન્સ શીખ્યા હતા. તે ૧૨ વર્ષના થયા ત્યારે પરિવારે જોહાનિસબર્ગ સ્થળાંતર કર્યું હતું.
સોફિયાટાઉન બ્લેક ડિસ્ટ્રિક્ટમાં શ્વેત ઉદામવાદી પાદરી ફાધર ટ્રેવર હડલસ્ટોનનો તેમના પર ખૂબ પ્રભાવ પડ્યો અને તે તેમના રોલમોડેલ બની ગયા. ટૂટૂને ટીબી થયો અને તેમણે ૨૦ મહિના સેનેટોરિયમમાં રહેવું પડ્યું હતું ત્યારે હડલસ્ટોને નિયમિત તેમની મુલાકાત લીધી હતી. ટૂટૂ ડોક્ટર બનવા માગતા હતા. પરંતુ, તેઓ ટ્યૂશન ફીનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા.
તેને બદલે તેઓ ટીચર બન્યા હતા.
૧૯૫૫માં તેઓ તેમની સાથે અભ્યાસ કરતી નોમાલિઝો લી શેનક્સેનને પરણ્યા હતા. તેમના ત્યાં એક પુત્ર ટ્રેવર તથા ત્રણ પુત્રીઓ - મ્ફો, નાઓમી અને થેરેસા લીનો જન્મ થયો હતો. તેમણે પુત્રનું નામ હડલસ્ટોનના નામ પરથી ટ્રેવર રાખ્યું હતું.
સ્કૂલોમાં રેસિયલ સેપરેશન લાગૂ કરાવતા બન્ટુ એજ્યુકેશન એક્ટના અમલને લીધે દંપિતિએ તેમની જોબમાંથી રાજીનામું આપ્યું હતું.
૧૯૬૧માં તેઓ ૩૦ વર્ષના હતા ત્યારે પાદરી બન્યા હતા. તેમની પ્રતિભાને પારખીને હિસ્થીઓલોજીકલ કોલેજના પ્રિન્સિપાલે કિંગ્સ કોલેજ લંડનમાં તેમના વધુ અભ્યાસની વ્યવસ્થા કરાવી હતી. તેમનો પરિવાર પણ તેમની સાથે બ્રિટન ગયો હતો.