કિગાલીઃ રવાન્ડાના પ્રેસિડેન્ટ પોલ કાગામે 99.18 ટકા મત સાથે ફરી ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત નેશનલ ઈલેક્ટોરલ કમિશને કરી છે આ સાથે તેઓ પ્રમુખપદે લગભગ પા સદી પહોંચવાની નજીક ગયા છે. 15 જુલાઈએ યોજાએલી ચૂંટણીમાં પોલ કાગામેના બે હરીફ, ડેમોક્રેટિક ગ્રીન પાર્ટીની ફ્રાન્ક હાબિનેઝા અને અપક્ષ ફિલિપ્પે એમ્પાયીમાનાએ પરાજય સ્વીકારી લીધો હતો. સત્તાવાર પરિણામ 27 જુલાઈએ જાહેર કરાશે.
જોકે, જમણેરી ગ્રૂપોએ પત્રકારો, વિપક્ષ અને નાગરિક સમાજ જૂથો સામે તડાફડીથી ઈલેક્શન ખરડાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. ઈલેક્ટોરલ કમિશને કાગામેના સૌથી બોલકા હરીફ સહિત આઠ ઉમેદવારને ચૂંટણીમાં ઉમેદવારી કરવા દીધી ન હતી. ચૂંટણીમાં 9 મિલિયન રજિસ્ટર્ડ મતદારોના 98.20 ટકાએ મતદાન કર્યું હતું. પ્રેસિડેન્ટ પોલ કાગામેએ ગત ત્રણ ચૂંટણીઓમાં 93 ટકાથી વધુ મત હાંસલ કરી વિજય મેળવ્યો હતો. રવાન્ડામાં 1994ના નરસંહારનો અંત લાવવા તેમજ દેશના પુનઃનિર્માણ સાથે ઈન્વેસ્ટમેન્ટ અને સહાય પ્રાપ્ત કરવા મુદ્દે પશ્ચિમી અને પ્રાદેશિક નેતાઓએ કાગામેની પ્રશંસા કરી હતી.