કિગાલી, લંડનઃ રવાન્ડાની સરકારી એરલાઈન રવાન્ડએર તેની પ્રતિષ્ઠાને નુકસાનનું કારણ આગળ ધરી પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકની એસાઈલમ સીકર યોજનામાં સાથ આપવા તૈયાર નથી. ગયા વર્ષે જ યુકેના રેફ્યુજી પ્લાનમાં ભાગીદાર બનવા રવાન્ડએરનો સંપર્ક કરાયો હતો પરંતુ, તેની બ્રાન્ડની પ્રતિષ્ઠા જોખમાવાના ડરથી એરલાઈને સ્પષ્ટ નન્નો ભણી દીધો છે. સુનાકે ચેનલ ઓળંગી આવતા ગેરકાયદે માઈગ્રન્ટ્સને અટકાવવાનું વચન આપ્યું છે પરંતુ, તેના અમલમાં કાનૂની સહિતના અવરોધો સર્જાયા કરે છે.
સુપ્રીમ કોર્ટે ઈંગ્લિશ ચેનલ ઓળંગી નાની બોટ્સમાં યુકે આવતા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને રવાન્ડા મોકલવાની યોજના વિરુદ્ધ ચુકાદો આપ્યો છે અને હજુ કોઈ માઈગ્રન્ટને રવાન્ડા મોકલી શકાયો નથી. ડાઉનિંગ સ્ટ્રીટમાં રવાન્ડાના પ્રેસિડેન્ટ પૌલ કાગામે અને પ્રાઈમ મિનિસ્ટર સુનાક વચ્ચે આ મુદ્દે ચર્ચા થઈ હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે બંને નેતાઓ રવાન્ડા જતી ફ્લાઈટ્સ માટે આતુર છે. અગાઉ, સુનાકે કહ્યું હતું કે તેઓ રવાન્ડા પ્લાનને અમલી બનાવવા જરૂર પડશે તો યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સના ઓર્ડર્સને અવગણવા તૈયાર છે. બીજી તરફ, યુકેના એરિયલ રીફ્યુઅલિંગ વિમાનનો કાફલો ચલાવતી એરટેન્કર એરલાઈન કંપનીએ શરણાર્થીઓને રવાન્ડા પહોંચાડવા સરકારની યોજનાનો હિસ્સો બનવા તૈયારી દર્શાવી છે. જોકે, ફ્રીડમ ફ્રોમ ટોર્ચર ચેરિટીએ આ પ્લાનથી દૂર રહેવા એરટેન્કર પર દબાણ લાવવાનું અભિયાન ચાલુ કર્યું છે.
યુકેથી ડિપોર્ટ કરાનારા માઈગ્રન્ટ્સ માટે રવાન્ડામાં કેટલીક પ્રોપર્ટીઝ નિશ્ચિત કરાઈ હતી પરંતુ, મોટા બાગની પ્રોપર્ટીઝ સ્થાનિક ખરીદારોને વેચી દેવાઈ છે. બ્વિઝા રિવરસાઈડ એસ્ટેટમાં 163 એફોર્ડેબલ હાઉસ માટે વાતચીત ચાલુ હતી પરંતુ, 70 ટકા મકાન વેચાઈ જતા થોડા ડઝન માઈગ્રન્ટ્સને જ વસાવી શકાય તેમ છે.