કિગાલીઃ રવાન્ડામાં સૌપ્રથમ વખત સોમવાર 20 જૂનથી શનિવાર 25 જૂન સુધી કોમનવેલ્થ દેશોની સરકગારોના વડાઓ (CHOGM)ની છ દિવસીય શિખર પરિષદ યોજાઈ હતી. આ પરિષદમાં નેતાગીરીમાં મહિલાઓની ભૂમિકાને ઉત્તેજન, કોમનવેલ્થ દેશોમાં આપસી વેપારધંધાને પ્રોત્સાહન તેમજ યુવાનોને નેતાગીરીની ભૂમિકામાં સપોર્ટ સહિતના વિષયોને આવરી લેવાયા હતા. કોમનવેલ્થની દ્વિવાર્ષિક શિખર પરિષદ સૌપ્રથમ વખત ચાર વર્ષે યોજાઈ છે. કોવિડ-19 મહામારીના કારણે 2020ની બેઠક રદ કરાઈ હતી.
ઉદ્ઘાટન સમારોહમાં 29 કોમનવેલ્થ દેશો અને સરકારોના વડા ઉપસ્થિત રહ્યા હતા. કોમનવેલ્થના વડા 96 વર્ષીય બ્રિટિશ ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું પ્રતિનિધિત્વ કરવા પ્રિન્સ ચાર્લ્સ હાજર રહ્યા હતા. સાઉથ આફ્રિકા, ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ સહિતના ઘણા દેશોએ પ્રધાનો અથવા રાજદ્વારીઓના વડપણ હેઠળ પ્રતિનિધિમંડળો મોકલ્યાં હતાં. નેતાઓએ બે દિવસ બંધબારણે બેઠકો પણ યોજી હતી.
પૂર્વ બ્રિટિશ સંસ્થાનો, 19 આફ્રિકન દેશો સહિત 54 દેશોનો સમૂહ ધ કોમનવેલ્થ વિશ્વના ત્રીજા હિસ્સા અથવા 2.4 બિલિયનની વસ્તીને આવરી લે છે અને સમાન ભાગીદારોના નેટવર્ક કરીકે લોકશાહી, શાંતિ અને સમૃદ્ધિના સહભાગી લક્ષ્યાંકો ધરાવે છે. રવાન્ડાના પ્રમુખ પોલ કાગામેએ ઉદ્ઘાટન સમારંભના પ્રવચનમાં જણાવ્યું હતું કે બ્રિટિશ સામ્રાજ્ય સાથે કોઈ ઐતિહાસિક કડી નહિ ધરાવતા નવા સભ્ય રવાન્ડામાં યોજાએલી બેઠક બદલાતા વિશ્વમાં કોમનવેલ્થની છબીને નવી ઓળખ આપવાની અમારી પસંદગીની એ હકીકત દર્શાવે છે. રવાન્ડા 2009માં કોમનવેલ્થ સમૂહમાં જોડાયું હતું.
શિખર પરિષદ અગાઉથી એસાઈલમ સીકર્સને રવાન્ડા મોકલી આપવાની બ્રિટનની વિવાદાસ્પદ નીતિએ સમગ્ર વિશ્વમાં હલચલ ઉભી કરી છે. પ્રિન્સ ચાર્લ્સે પણ આ નીતિને આઘાતજનક ગણાવી હોવાનું કહેવાય છે. પ્રિન્સે સમિટ દરમિયાન રવાન્ડાના પ્રમુખ કાગામે અને બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે પણ વાતચીત કરી હતી. કાગામે અને જ્હોન્સને પણ દ્વિપક્ષી મંત્રણા યોજી હતી.