કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકન આર્મીના ભૂમિદળોના કમાન્ડર લેફ. જનરલ લોરેન્સ મ્બાથા રશિયાની સત્તાવાર મુલાકાતે ગયા છે ત્યારે અમેરિકાએ સાઉથ આફ્રિકન સરકાર રશિયાને શસ્ત્રો પૂરાં પાડતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રશિયા સાથે લશ્કરી સહકારના મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું.
સાઉથ આફ્રિકામાં યુએસ એમ્બેસેડર રુબેન બ્રિગેટીએ કહ્યું હતું કે રશિયન વહાણોમાં શસ્ત્રસરંજામ ભરાઈને રશિયા મોકલાઈ રહ્યા હોવાં વિશે અમેરિકા ચોક્કસ છે. સાઉથ આફ્રિકન પાર્લામેન્ટમાં પણ આ પ્રશ્ન ઉઠાવાયો હતો ત્યારે પ્રમુખ રામાફોસાએ આ મુદ્દે તપાસ થઈ રહી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ, રશિયન જહાજ સિમોન્સ ટાઉનના નૌકા થાણા પર લાંગર્યું હોવાને સમર્થન અપાયું હતું. હકીકત છે કે યુક્રેન સાથેના યુદ્ધમાં હવે રશિયાને શસ્ત્રસરંજામની તાણ વર્તાઈ રહી છે અને તેના મિત્રદેશો પાસેથી શસ્ત્રો મંગાવાઈ રહ્યા છે.