ડર્બનઃ દક્ષિણ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની લેખિકાને હંમેશા વિવાદમાં રહેતા જાણીતા લેખક સલમાન રશ્દીની પ્રશંસા કરવી ભારે પડી છે. ઝૈનબ પ્રિયા ડાલા નામની આ લેખિકાએ એક શાળાના સમારંભમાં સલમાન રશ્દીની પ્રશંસા કરતાં જ એમને રસ્તામાં રોકીને મારવામાં આવ્યા હતા અને તેમની સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું.
ઝેનબ પોતાના પુસ્તક ‘વોટ અબાઉટ મીરા’ના વિમોચન માટે જવાના હતા. ત્યારે હુમલાખોરોએ હોટેલથી જ તેમનો પીછો કર્યો હતો. રસ્તામાં તેમની કારને આંતરીને કેટલાક લોકોએ તેમના માથા અને ગળાના ભાગે ઈંટો મારી હતી અને ગાળો પણ બોલી હતી. શાળામાં જેબુન અને અન્ય ત્રણ લેખકોએ તેમના પ્રિય લેખકો અંગે બોલવા કહેવામાં આવ્યું હતું. ઝૈનબે સલમાન રશ્દીની ખૂબ પ્રશંસા કરતાં મુસ્લિમો નારાજ થયા હતા. જોકે શાળામાં ઝૈનબે સલમાન રશ્દીનું નામ લેતાં જ કેટલાક અધ્યાપકો હોલ છોડીને જતા રહ્યા હતા.
બીજી તરફ સલમાન રશ્દીએ આ અંગે કહ્યું હતું કે, ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. એક તરફ તો ડર્બનમાં લેખકોને સન્માનિત કરવામાં આવે છે તો બીજી તરફ તેમને મારવામાં આવે છે. હું દુઆ માંગું છું કે જેબન જલ્દી સાજા થઈ જાય.’