નાઈરોબીઃ કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ આફ્રિકન યુનિયન કમિશન (AUC)ના ચેરમેનપદ માટે સત્તાવાર ઉમેદવારી જાહેર કરી છે. ઓડિન્ગાએ આફ્રિકાના સૌથી પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી હોદ્દા માટે ઉમેદવારી જાહેર કરવા અગાઉ સાથીપક્ષોના નેતાઓ સાથે વિસ્તૃત મંત્રણા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આફ્રિકાની નેતાગીરી તેમની સેવાની ઈચ્છા રાખતી હોય તો તેઓ આફ્રિકા ખંડને સેવા આપવા તૈયાર છે.
ઓડિન્ગાએ 2018થી 2023ના ગાળામાં આફ્રિકાના માળખાકીય વિકાસ માટે AUના વિશેષ દૂત તરીકે કામગીરી બજાવી છે. AUCના વર્તમાન ચેરમેન છાડના મોઉસ્સા ફાકી બે મુદત પૂર્ણ થવા સાથે આ હોદ્દો આગામી વર્ષે ખાલી થનાર છે. નાઈજિરિયાના પૂર્વ પ્રમુખ ઓલુસેગુન ઓબાસાન્જોએ પણ ઓડિન્ગાની ઉમેદવારીને ટેકો જાહેર કર્યો છે. AUCના ચેરમેન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને આફ્રિકન યુનિયનના કાનૂની પ્રતિનિધિ ગણાય છે ત્યારે ઓડિન્ગાની ઉમેદવારી માત્ર કેન્યા નહિ, આફ્રિકા ખંડના વહીવટ અને વિકાસની વ્યાપક દિશા બદલનારી રહેશે તેમ મનાય છે.