જોહાનિસબર્ગઃ કિંગ ઝુલુની છ પત્નીઓમાંની એક પત્નીએ રાજગાદી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં ઉત્તરાધિકારની લડાઈ શરૂ કરી હતી.૫૦ વર્ષના શાસન પછી કિંગ ગુડવિલ ઝ્વેલિથિનીનું માર્ચમાં ૭૨ વર્ષની વયે મૃત્યુ થયું હતું.. તેમણે તેમના વસિયતનામા તેમના શાસનાધિકારી, તેમની ત્રીજી અને પ્રિય પત્ની શીયીવે મેન્ટફોમ્બી દ્લામિનીને શાસન સોંપવાનો ઉલ્લેખ કર્યો હતો. દ્લામિનીએ તેમના ૪૭ વર્ષીય પુત્ર મિસુઝુલુ ઝુલુને રાજગાદીના વારસદાર નિયુક્ત કર્યા હતા. એપ્રિલમાં શાસનાધિકારીનું અચાનક મૃત્યુ થયું. મિસુઝુલુ ઝુલુનો રાજ્યાભિષેક હજુ થયો નથી. કિંગ ઝૂલુની પ્રથમ પત્ની, રાણી સિબોંગીલ દ્લામિનીએ હવે નવા શાસકની નિમણૂકને કોર્ટમાં પડકારી છે. તેમનો દાવો છે કે તેણે જ કિંગ ઝૂલુ સાથે સિવિલ મેરેજ કર્યા હોવાથી તે એકમાત્ર તેમની કાયદેસર પત્ની છે. કિંગ ઝૂલુને છ પત્ની અને ૨૮ વારસ હતા. દ્લામિની અન્ય સ્ત્રીઓને રખાત માને છે. તેમના કિંગ ઝૂલુ સાથેના લગ્ન પરંપરાગત લગ્ન હતા. ઝુલુ દેશની રાજધાની પીટરમેરિત્ઝબર્ગની કોર્ટમાં દ્લામિનીએ શાહી મિલકતમાં અડધા હિસ્સાનો દાવો પણ કર્યો હતો.