કમ્પાલાઃ રુપારેલિયા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ રુપારેલિયા પર શુક્રવાર ૨૪ જુલાઈની સવારે સશસ્ત્ર હુમલાખોરો દ્વારા હુમલો કરાયો હતો પરંતુ, તેમના બે રખેવાળ શ્વાનોએ તેમને બચાવી લીધા અને હુમલાખોરોને ભગાડ્યા હતા.
સિક્યુરિટી વીડિયો રેકોર્ડિંગ્સામાં દર્શાવ્યા મુજબ રાજીવ સવારના ૭ વાગ્યા પછી તેમના બે શ્વાન સાથે ઘરની બહાર નીકળ્યા હતા અને તેઓ રોડ પર પહોંચતાની સાથે એક વાન આવીને ઉભી રહી હતી અને તેમાંથી ખૂંખાર હુમલાખોરો રાજીવ પર હુમલા માટે કૂદીને બહાર આવ્યા હતા. પોતાના માલિક પર હુમલો થયાનું જણાતા તાલીમબદ્ધ શ્વાનો દોડી આવ્યા અને હુમલાખોરોને ભગાડ્યા હતા. જોકે, તેમણે રાજીવ, તેમના બે શ્વાન અને શ્વાનના સંભાળ લેનારી વ્યક્તિને ઈજા પહોંચાડી હતી.
રાજીવ રુપારેલિયાએ હુમલાને રંગભેદી જણાવતા કહ્યું હતું કે તેમના પર ખાનગી વાહનમાં જઈ રહેલા કાઉન્ટર ટેરરિઝમ પોલીસ ઓફિસરોએ હુમલો કર્યો હતો, જેઓ તેમના કોલોલોસ્થિત નિવાસની બહારથી ભારે સ્પીડમાં પસાર થઈ રહ્યા હતા. શ્વાનોને ચાલવા લઈ જતા રુપારેલિયાએ કહ્યું હતું કે ‘આ રહેવાસી માર્ગ પર આટલી ઝડપે વાહન હંકારવું યોગ્ય નથી. મેં તેમને વિનંતીની ભાષામાં કહ્યું પરંતુ,ઓફિસરે મને ગુસ્સામાં જવાબ આપ્યો કે આ ભારત નહિ, યુગાન્ડા છે. તેઓ ખાનગી વાહનમાં હતા. તેઓ પોલીસ હોવાનું હું જાણતો નથી તેમ ધારી તેમણે મને પૂછ્યું કે તેમને ધીમા પડવાનું શા માટે કહેવું પડ્યુ? કારમાં બીજા ઓફિસરો પણ હતા. તેમણે નીચે ઉતરી મને લાકડી અને બંદૂકના કૂંદાથી મારવાનું શરુ કરી દીધું. આ વખતે શ્વાનો મારા હાથમાંથી છૂટી ગયા હતા. મારા પર હુમલો થતો જોઈ તેમણે મને બચાવવાનો પ્રયાસ કર્યો. શ્વાનોની સંભાળ લેનાર પણ મારા બચાવમાં આવ્યો તેને પણ માર મારવામાં આવ્યો હતો અને હાલ તે હોસ્પિટલમાં છે.’
કમ્પાલા મેટ્રોપોલીટન પ્રવક્તાએ વધુ વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે તેમને કિરા રોડ પોલીસ સ્ટેશને ફરિયાદ મળી હતી.