જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામફોસા વિરુદ્ધ અપહરણ અને ભ્રષ્ટાચારની સત્તાવાર ફરિયાદ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકન ઈન્ટેલિજન્સના પૂર્વ વડા આર્થર ફ્રેઝરે 2 જૂન, બુધવારે ફરિયાદ દાખલ કરી છે કે પ્રમુખ સીરિલ રામફોસાએ તેમની એક પ્રોપર્ટીમાં છુપાવેલા 3.8 મિલિયન યુરો ચોરોની ગેન્ગના હાથમાં આવ્યા પછી પ્રમુખે તેમનું અપહરણ કરાવ્યું હતું અને તેમની આકરી પૂછપરછ કરી હતી.
આર્થર ફ્રેઝરે નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનું અભૂતપૂર્વ પગલું ભર્યું છે. દેશના ઉત્તરપૂર્વ વિસ્તારમાં રામફોસાની માલિકીના એક ફાર્મમાંથી 4 મિલિયન ડોલરથી વધુ રકમની ચોરીના કેસમાંથી આ ફરિયાદ ઉદ્ભવી છે. ફ્રેઝરે દાવો કર્યો હતો કે આ ચોરી 9 ફેબ્રુઆરી 2020ના દિવસે થઈ હતી અને પ્રમુખ રામફોસાએ આ ગુનાને પોલીસ અને ટેક્સ સત્તાવાળાઓથી છુપાવ્યો હતો. તેમણે નાણા આપી ગુનેગારોને સાધી લીધા હતા.
ફ્રેઝરે આક્ષેપ લગાવ્યો છે કે પ્રમુખ રામફોસા શકમંદોના અપહરણ, પોતાની પ્રોપર્ટી પર તેમની પૂછપરછ અને તેમને લાંચ આપીને ન્યાયના માર્ગને અવરોધી રહ્યા છે. તેમણે ફરિયાદના સમર્થનમાં પોલીસને ફોટોઝ, બેન્ક એકાઉન્ટ્સ, નામો અને વીડિયો સહિતના પુરાવાઓ સુપરત કર્યા છે.