લંડન
ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા પ્રમુખ સિરિલ રામાફોસા સામે મહાભિયોગની પ્રક્રિયા હાથ ધરવાના પ્રસ્તાવને દક્ષિણ આફ્રિકાની સંસદે ફગાવી દેતાં હવે રામાફોસા માટે આફ્રિકન નેશનલ કોંગ્રેસના નેતા તરીકે બીજી ટર્મ માટે ચૂંટાઇ આવવાની સંભાવનાઓ પ્રબળ બની છે. 3 વર્ષ પહેલાં રામાફોસાના ગેમ રાન્ચ ખાતેથી પાંચ મિલિયન ડોલર રોકડની ચોરીના મામલામાં સંસદ દ્વારા રચાયેલી સ્વતંત્ર પેનલ દ્વારા રિપોર્ટ રજૂ કરાયા બાદ રામાફોસા સામે મહાભિયોગની પ્રક્રિયાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરાયો હતો. જોકે આફ્રિકન નેશનલ કોંગ્રેસની સંસદમાં બહુમતી હોવાના કારણે પ્રસ્તાવને 214 વિરુદ્ધ 148 મતથી ફગાવી દેવાયો હતો.
2018માં સત્તા પર આવેલા સિરિલ રામાફોસા પર અઘોષિત વિદેશી ચલણ ધરાવવા, કરવેરાની ચોરી કરવા અને પોતાના સ્થળમાં થયેલી ચોરી અંગે પોલીસને જાણ નહીં કરવા જેવા આરોપ મૂકાયા હતા. રામાફોસાએ તેમના સીનિયર બોડીગાર્ડને આ ચોરીની ખાનગી રાહે તપાસ કરવાનો આદેશ આપીને સરકારના સ્ત્રોતોનો દુરુપયોગ કરવાનો આરોપ પણ મૂકાયો હતો. જોકે રામાફોસાએ તેમના પર મૂકાયેલા તમામ આરોપ નકારીને તપાસ અહેવાલને પડકારવા કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી છે.
ફાર્મગેટ નામના આ કૌભાંડના કારણે આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં પણ મોટાપાયે ભાગલા પાડી દીધાં છે. પાર્ટીમાં રહેલા પ્રમુખના વિરોધીઓ તેમના રાજીનામાની માગ કરી રહ્યાં છે. મહાભિયોગ પ્રસ્તાવ પરના મતદાનમાં પાર્ટીના જ ઘણા સાંસદો ગેરહાજર રહ્યાં હતાં.