નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા અને ડેપ્યુટી પ્રેસિડેન્ટ વિલિયમ રુટો વચ્ચે રાજકીય ખાઈ સર્જાયેલી છે ત્યારે રુટોએ જાહેરમાં કેન્યાટાની માફી માગી છે. નાઈરોબીમાં નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ સમારંભમાં ડેપ્યુટી પ્રેસિડેન્ટ રુટોએ કબૂલાત કરી હતી કે દેશના વડાથી તેઓ કદાચ દૂર થઈ ગયા છે અને તેના પરિણામે કેન્યાવાસીઓને સરકારે આપેલાં વચનો પરિપૂર્ણ કરવાનું મુશ્કેલ બન્યું છે.
રુટોએ કહ્યું હતું કે ડેપ્યુટી પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા હું મારા મિત્ર પ્રમુખની અપેક્ષાઓમાં ઉણો ઉતર્યો હોઈ શકું છું તો તે બદલ હું તેમની માફી માગું છું. હું પણ ઘણા લોકોથી ઘવાયેલો છું. આ પ્રેયર નિમિત્તે હું બધાને માફી આપું છું અને લાગણી ઘવાયાના કરજથી મુક્ત ચૂંટણીમાં ઉતરવા ઈચ્છું છું. બીજી તરફ, પ્રમુખ કેન્યાટાએ જણાવ્યું હતું કે તેઓ ડેપ્યુટી પ્રમુખ રુટોની પ્રાર્થના મુજબ ઓગસ્ટમાં તેમની મુદત પૂર્ણ થાય ત્યારે શાંતિપૂર્વક નિવૃત્ત જીવન વીતાવવા ઈચ્છે છે. તેમણે રુટોની પ્રાર્થના ફળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.