હરારેઃ ઝિમ્બાબ્વેના પૂર્વ પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાબેની પુત્રી બોના મુગાબે દુબઈમાં મેન્શન સહિત રહેણાંકની કુલ 25 પ્રોપર્ટી ધરાવે છે તેમ કોર્ટ સમક્ષ તેમના ડાઈવોર્સ પેપર્સમાં જણાવાયું હોવાનું બીબીસીનો રિપોર્ટ કહે છે. આ પ્રોપર્ટીઝનું કુલ મૂલ્ય આશરે 80 મિલિયન ડોલર (64 મિલિયન પાઉન્ડ) કહવાય છે. ઝિમ્બાબ્વેના લોકો મુગાબેના માત્ર એક સંતાન પાસેથ આટલી જંગી પ્રોપર્ટી હોવા બાબતે આશ્ચર્યસહ આઘાત અનુભવી રહ્યા છે. બોના મુગાબેએ માર્ચમાં પૂર્વ પાઈલોટ પતિ સિમ્બા મુત્સાહુનિ ચિકોરેથી ડાઈવોર્સ ફાઈલ કર્યા છે. સિમ્બા ચિકોરે 21 ફાર્મ્સ સહિતની મિલકતોમાં ભાગ અને ત્રણ સંતાનોની જોઈન્ટ કસ્ટડી માગે છે.
મુગાબે પરિવારની નિકટના સૂત્ર મુજબ પૂર્વ પ્રમુખ 95 વર્ષની વયે 2019માં મૃત્યુ પામ્યા ત્યારે તેમના નામે કોઈ પ્રોપર્ટી ન હતી. જોકે, તેમને સરકારી પેન્શન તરીકે 10 મિલિયન પાઉન્ડ મળતા હતા. રોબર્ટ મુગાબે ઝિમ્બાબ્વેને 1980માં આઝાદી મળી ત્યારથી સત્તા પર હતા અને 2017માં તેમના પૂર્વ સાથી અને હરીફ મ્નાનગાગ્વાએ તેમને સત્તા પરથી હટાવ્યા હતા. ચિકોરેના દાવા મુજબ બોના પાસે આટલી પ્રોપર્ટીઝ છે કે કેમ તેવો પ્રશ્ન પણ સૂત્રે ઉઠાવ્યો હતો. જોકે, ડાઈવોર્સ પેપર્સમાં વૈભવી વાહનો, ફાર્મિંગ ઈક્વિપમેન્ટ્સ તેમજ હજારો ડોલરની રોકડ રકમોનો પણ ઉલ્લેખ કરાયો છે.