જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમા ૨.૫ બિલિયન ડોલરના શસ્ત્રસોદામાં ભ્રષ્ટાચારનો કોર્ટમાં જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.ઘણાં વર્ષોથી પડતર રહેલી ટ્રાયલ દક્ષિણ ક્વાઝૂલુ - નાતાલ પ્રાંતમાં પીટરમેરિટ્ઝબર્ગ હાઈકોર્ટમાં મંગળવારે ફરી શરૂ થઈ હતી. ૭૯ વર્ષીય ઝૂમાની તબિયત ચકાસવા માટે તેમની લીગલ ટીમની સાથે સરકારને ડોક્ટરો નીમવાની પરવાનગીમાં દસ દિવસના વિલંબ પછી આ ટ્રાયલ શરૂ થઈ હતી.
ઝૂમાની તબીબી હાલતની વિગતો ગુપ્ત રાખવામાં આવી હતી. પ્રોસિક્યુટર્સે દલીલ કરી હતી કે ખરાબ તબિયત તેમની ગેરહાજરી માટે યોગ્ય કારણ નથી.
સરકારી વકીલ વિમ ટ્રેન્ગોવે જણાવ્યું હતું કે કોર્ટમાં હાજરી વૈકલ્પિક નથી. તેમણે પોતાના વિના પોતાનો કેસ આગળ ચલાવવાની ઝૂમાએ આપેલી સૂચનાને પડકારી હતી અને ડોક્ટરોની ટીમોના અભિપ્રાયોમાં તફાવતની નોંધ લીધી હતી. સરકારી વકીલો ઝૂમાને ટ્રાયલમાં હાજર રહેવા ફીટ ગણાવ્યા હતા.
ભ્રષ્ટાચાર વિશેની તપાસમાં હાજરી આપવામાં નિષ્ફળ રહેવા બદલ ફરમાવાયેલી ૧૫ મહિનાની જેલની સજાને રદ કરાવવાના ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના પ્રયાસને દક્ષિણ આફ્રિકાની બંધારણ કોર્ટે ૧૭ સપ્ટેમ્બરે નિષ્ફળ બનાવ્યો હતો.
તેની પ્રતિક્રિયામાં ઝૂમાએ જણાવ્યું હતું કે હવે દક્ષિણ આફ્રિકા બંધારણીય સરમુખત્યારશાહી બની રહ્યું છે.
અગાઉ ઝૂમાની લીગલ ટીમે તેમની સામેના આરોપો પડતા મૂકવા કરેલી કાર્યવાહીને લીધે ઘણી વખત મુદતો પડ્યા પછી ગયા મેમાં ટ્રાયલ શરૂ થઈ હતી.
મુખ્ય પ્રોસિક્યુટર બીલી ડોનરને બદલવા સહિતની ઝૂમાની વિનંતી સહિત કાનૂની દલીલોને લીધે વારંવાર ટ્રાયલ અટકી હતી.