કમ્પાલાઃ યુગાન્ડા સરકાર ચીને આપેલી લોન ભરપાઇ કરવામાં નિષ્ફળ રહી હોવાથી તેનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ચીનને સોંપી દેવું પડ્યું છે. ૨૦૧૫માં ચીનની એક્ઝિમ બેન્કે યુગાન્ડાને ૨% વ્યાજે ૨૦ વર્ષ માટે ૨૦.૭ કરોડ ડોલરની લોન એરપોર્ટના વિસ્તરણ માટે આપી હતી. તેમાં છૂટછાટના ૭ વર્ષ પણ સામેલ હતા. યુગાન્ડા સરકારે લોન લેતી વખતે કરારમાંથી આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપ સંબંધી જોગવાઇ હટાવી દીધી હતી. લોન લીધા બાદ યુગાન્ડા કરારની શરતો પાળી ન શક્યું.
દેશના એકમાત્ર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિયંત્રણ તેની પાસે રહે તે માટે યુગાન્ડા સરકાર હવે ચીન સાથેના તે કરારમાં ફેરફારની માગ કરી રહી છે. યુગાન્ડા જે શરતોમાં ફેરફાર ઇચ્છે છે તેમાં યુગાન્ડા સિવિલ એવિએશન ઓથોરિટીએ તેના બજેટ તથા વ્યૂહાત્મક યોજનાઓ માટે લોન આપનારની મંજૂરી લેવી જરૂરી છે. અન્ય એક નિયમ પ્રમાણે લોનની શરતો મુજબ કોઇ પણ વિવાદની સ્થિતિમાં ચીન આંતરરાષ્ટ્રીય આર્થિક અને વ્યાપાર મધ્યસ્થી પંચ મારફતે ઉકેલ લાવશે.