નાઈરોબીઃ કેન્યાના પૂર્વ ભાગમાં કાજિઆડો કાઉન્ટીના માસિમ્બા વિસ્તારમાં વન્ય પ્રાણીઓનાં આક્રમણનો વિરોધ કરી રહેલા લોકો પર ગુરુવાર 2 જૂને પોલીસના ગોળીબારમાં 4 કેન્યાવાસીના મોત થયા હતા જ્યારે 7ને ઈજા પહોંચી હતી.
માશુરુ પોલીસ કમાન્ડર ચાર્લ્સ ચેપ્કોંગે જણાવ્યું હતું કે માસિમ્બા વિસ્તારમાં જંગલી પ્રાણીઓ દ્વારા સતત આક્રમણ થવા છતાં સ્થાનિક સત્તાવાળાની ઉદાસીનતાથી લોકો રોષે ભરાયેલા હતા.
રોષે ભરાયેલા લોકોએ ટાયરો બાળ્યા હતાં અને નાઈરોબી-મોમ્બાસા હાઈવે પર અવરોધો ઉભા કર્યા હતા. પાંચ કિલોમીટર થી વધુ ટ્રાફિક જામ થવાથી કામગીરી બંધ થઈ ગઈ હતી અને પોલીસે દરમિયાનગીરી કરી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે હાથીઓ ખેતરોમાં જઈ ઉભા પાકને ખતમ કરી ભારે વિનાશ વેરે છે. તેમના ભયથી બાળકો શાળાએ જઈ શકતાં નથી. તાજેતરમાં જ હાથીએ શિક્ષકને મારી નાખ્યા હતા પરંતુ, કોઈ પગલાં લેવાયા ન હતા. હાથીઓના સતત હુમલાના કારણે લાંબા સમયથી શાળાઓ બંધ રખાય છે. લોકોએ કેન્યા વાઈલ્ડલાઈફ સર્વિસને માનવી અને પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષનો કોઈ ઉપાય લાવવા જણાવ્યું હતું પરંતુ, સમસ્યાનું કોઈ નિરાકરણ લવાયું નથી.