લંડન, નાઈરોબીઃ યુરોપિયન યુનિયનમાંથી સેકન્ડ-હેન્ડ/વપરાયેલાં વસ્ત્રોની નિકાસ પર મર્યાદા લાદવાની ફ્રાન્સ, ડેનમાર્ક અને સ્વીડનની દરખાસ્ત સામે કેન્યાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ દરખાસ્ત વસ્ત્રોના પુનઃવેચાણની કેન્યન ઈન્ડસ્ટ્રીનેને નુકસાન પહોંચાડી શકે છે જેમાં 2 મિલિયન કેન્યનો રોજગાર મેળવે છે.
યુએન ટ્રેડ ડેટા અનુસાર ઈયુએ 2022માં 1.4 મિલિયન ટન વપરાયેલા વસ્ત્રોની નિકાસ કરી હતી જે વર્ષ 2000ની સરખામણીએ બમણાથી વધું છે. વિકાસશીલ દેશોને આવી નિકાસોમાં નહિ વેચાયેલા વસ્ત્રો ડમ્પસાઈટ્સમાં પહોંચવાથી ભારે પ્રદૂષણ સર્જાય છે. ફ્રાન્સ, ડેનમાર્ક અને સ્વીડને જોખમી ટેક્સટાઈલ્સ વેસ્ટની નિકાસો પર પ્રતિબંધ અને ટેક્સટાઈલ્સ વેસ્ટની આયાત પહેલા સંબંધિત દેશો પાસેથી માહિતગાર કરાયાની સંમતિ પ્રાપ્ત કરવાના બેસલ કન્વેન્શનનો અમલ કરવાની દરખાસ્ત મૂકી છે. ઈયુ દ્વારા વપરાયેલા વસ્ત્રોની નિકાસો બંધ કરાય તેમજ ઈયુમાં જ તેના રિસાયકલિંગને પ્રોત્સાહન અપાય તેવો આ કન્વેન્શનનો ઈરાદો છે.
જોકે, કેન્યાના સેકન્ડહેન્ડ વસ્ત્રોના વેપારીઓના સંગઠન મિટુમ્બા કોન્સોર્ટિયમ એસોસિયેશન ઓફ કેન્યાના જણાવ્યા મુજબ વપરાયેલાં વસ્ત્રોની આયાતો જીવનનિર્વાહને ટેકો આપે છે અને દેશ માટે ટેક્સની આવક ઉભી કરે છે. વેપારીઓ સારી ક્વોલિટીના વસ્ત્રો જ ખરીદે છે તેમ કહેવા સાથે આયાતોમાંથી વેચાણ નહિ થયેલી આઈટમ્સ આખરે જમીનપુરાણમાં જતી હોવાનો સંગઠને ઈનકાર કર્યો છે. કેન્યાએ 2022માં 177,386 ટન વપરાયેલાં વસ્ત્રોની આયાત કરી હતી જે 2013ની સરખામણીએ 76 ટકાનો વધારો સૂચવે છે. ઘાના, સેનેગલ અને સાઉથ આફ્રિકા સહિતના આફ્રિકન દેશો વપરાયેલા વસ્ત્રોના સૌથી મોટા આયાતકાર છે.