કમ્પાલાઃ યુગાન્ડાના બંધારણમાંથી વય મર્યાદાનો કાયદો દૂર કરવાને પડકારતી સાત રાજકારણીઓના સંયુક્ત કેસને ઈસ્ટ આફ્રિકન કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા કોસ્ટ સાથે ફગાવી દેવાયો છે. યુગાન્ડામાં પ્રમુખપદની ચૂંટણી લડવાની વય ૭૫ વર્ષથી ઓછી હોવી જોઈએ તે કાયદાને સરકારે બંધારણીય સુધારા સાથે રદ કર્યો હતો.
અરજદારો કાસેસે ડિસ્ટ્રિક્ટના મહિલા સાંસદ વિન્ફ્રેડ કિઝા, માનજીયા કુન્ટીના સાંસદ જ્હોન બાપ્ટિસ્ટ નામ્બેશે, ન્ટુનગાનો મ્યુનિસિપાલિટીના સાંસદ જીરાલ્ડ કારુહાન્ગા, કિરા મ્યુનિસિપાલિટીના સાંસદ ઈબ્રાહીમ સેમુજ્જુ ન્ગાન્ડા, મુકોનો મ્યુનિસિપાલિટીના સાંસદ બેટ્ટી નામ્બૂઝ, સેરેરે ડિસ્ટ્રિક્ટના પૂર્વ મહિલા સાંસદ એલીસ એસિયાનુટ અલાસો અને મહિલા અધિકાર એક્ટિવિસ્ટ ઈરિન ઓવોન્જી ઓડિડા દ્વારા કરાયેલા કેસમાં તેમના પ્રતિનિધિ બે ધારાશાસ્ત્રીએ કેસમાં આગળ વધવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. પ્રિન્સિપાલ જજ મોનિકા મુગેન્યીના વડપણ હેઠળ જસ્ટિસ ડો. પીટર ન્યાવેલ્લો અને ચાર્લ્સ ન્યાચાએની બનેલી પેનલે કેસને ડિસમિસ કર્યો હતો.
ધારાશાસ્ત્રી ડોન ડેયાએ કોર્ટને જણાવ્યું હતું કે તેમના ક્લાયન્ટ્સે કેસમાં આગળ વધવા કોઈ વધુ સૂચના આપી નથી કે કોર્ટ સમક્ષ વધુ પૂરાવા મૂક્યા નથી આથી, તેઓ કેસમાંથી પાછા હટી રહ્યા છે. અગાઉ, અરજદારોએ જનહિત યાચિકામાં જણાવ્યું હતું કે આ કાયદો દૂર કરાવાતી ઈસ્ટ આફ્રિકન કોમ્યુનિટીની કેટલીક જોગવાઈઓનો ભંગ થાય છે. અગાઉ, યુગાન્ડાની બંધારણીય કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ, કાયદાની જોગવાઈઓ અનુસરાઈ હોવાની જણાવી કોર્ટ્સે અરજીઓ ફગાવી હતી.