નાઈરોબીઃ વિદેશ બાબતોના મંત્રાલયે રક્ષણના પૂરતાં પગલાં અમલમાં ન મૂકાય ત્યાં સુધી ડોમેસ્ટિક વર્કરોની ભરતી અને નિકાસ પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકવા ભલામણ કરી હતી. વિદેશ બાબતોના પ્રિન્સિપલ સેક્રેટરી મચરીયા કમાઉએ સાંસદોને જણાવ્યું હતું કે હંગામી પ્રતિબંધ માટે મંત્રાલયે જુલાઈમાં લેબર મિનિસ્ટ્રીને પત્ર લખ્યો હતો. કમાઉએ જણાવ્યું કે ૨૦૧૯માં સંસદીય સમિતિએ સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી ત્યારથી મૃત્યુઆંક અને કેસોની સંખ્યામાં વધારો થવાથી પરિસ્થિતિ ખૂબ વણસી ગઈ છે.
તેમણે ઉમેર્યું કે સાઉદી અરેબિયા ગયેલા કેન્યન્સ પૈકી ૨૦૧૯માં ત્રણ મૃત્યુની સામે ૨૦૨૦માં વધીને ૪૮ અને આ વર્ષે ત્યાં અત્યાર સુધીમાં ૪૧નું મૃત્યુ થયાની જાણ કેન્યાની એમ્બેસીને કરાઈ હતી. જ્યારે કેસોની સંખ્યા ૨૦૧૯-૨૦માં ૮૮ હતી જે ૨૦૨૦ – ૨૧માં વધીને ૧,૦૨૫ થઈ હતી.
તેમણે ઉમેર્યું કે આ આંકડા આપણે જે કરુણ પરિસ્થિતિનો સામનો કર રહ્યા છીએ તે દર્શાવે છે. તેને લીધે સાઉદી અરેબિયામાં કેન્યન ડોમેસ્ટિક વર્કર્સની વધતી તકલીફોને ડામવા માટે દ્રઢ અને નિર્ણાયક કાર્યવાહીની જરૂર છે.
તેમણે ઉમેર્યું કે લેબર મિનિસ્ટ્રી અને નેશનલ એમ્પ્લોયમેન્ટ ઓથોરિટીને વિદેશમાં કેન્યન વર્કરોનું રક્ષણ સુનિશ્ચિત કરવાનો અધિકાર છે.