નાઈરોબીઃ કેન્યાએ ગયા મંગળવારે ૨૦૨૫ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનું યજમાન બનવા માટે પોતાનું બીડ આપ્યું હતું. આ બીડનો સ્વીકાર થશે તો આફ્રિકામાં આ સ્પર્ધા પ્રથમ વખત યોજાશે. છેલ્લાં ચાર વર્ષમાં નાઈરોબીએ અન્ડર – ૧૮ અને અંડર – ૨૦ વર્લ્ડ ચેમ્પિયનશીપ્સની યજમાની કરી હતી. પરંતુ, તેને જુલાઈમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરનાર જાપાન સહિત ઘણાં હાઈ – પ્રોફાઈલ દેશો તરફથી સ્પર્ધા છે. એથ્લેટિક કેન્યા ચીફ જેક્સન તુવેઈએ જણાવ્યું હતું કે તેમણે ગ્લોબલ ચેમ્પિયનશીપની યજમાની કરવા માટે તેમનું બીડ ફાઈનલ કર્યું હતું.
વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા બીડ માટે ૧ ઓક્ટોબર સુધીની મર્યાદા રખાઈ હતી. નાઈરોબીએ ૨૦૧૭ અને ૨૦૨૧માં વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપનું સફળ આયોજન કર્યું હતું. તેમાં ઘણાં વર્લ્ડ રેકર્ડ નોંધાયા હતા. તેમણે ઉમેર્યું કે બન્ને ઇવેન્ટના આયોજનમાં ઘણું શીખ્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોમાં કેન્યા લાંબી દોડના ઘણાં સફળ રનર્સ મેળવનાર દેસો પૈકી એક બન્યો છે. પરંતુ, ટોચના રનર્સને દેશમાં જ પરફોર્મ કરવાનું બાકી છે. ૧૯૮૩માં ફિનલેન્ડના હેલસિન્કીમાં સૌ પ્રથમ વખત યોજાયેલા વર્લ્ડ એથ્લેટિક્સ પ્રિમિયરની આફ્રિકાએ કદી યજમાની કરી નથી.