કમ્પાલાઃ યુગાન્ડાની ટીનેજર્સને થોડા મહિનાની ટ્રેનિંગ આપી અને તેમનામાં ક્રિકેટનું પ્રાથમિક જ્ઞાન આવી ગયું. જીંજાના ગબુલા રોયલ ફાઉન્ડેશને ક્રિકેટ ઈઝ લાઈફ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમાં તેઓ ટીનેજર છોકરીઓને વહેલી ઉમરે સગર્ભા બનતી અટકાવવાના ધ્યેય સાથે ક્રિકેટ શીખવાડે છે.
યુગાન્ડામાં ટીનેજ પ્રેગનન્સી રેટ ૨૫ ટકા છે જે સબ – સહારન આફ્રિકામાં સૌથી વધુ છે. અહીંની છોકરીઓને આ રમત શીખવાની તક મળી છે અને આ પ્રવૃત્તિ ધીમે ધીમે વેગ પકડી રહી છે, જે આ ટકાવારીને મોટાપાયે ઘટાડવામાં મદરૂપ થશે. ક્રિકેટ પ્લેયર નાકીવોગો ઝૈનાબે જણાવ્યું કે આ રમત અમને ઘણી રીતે મદદરૂપ થાય છે. અમે ઘરે રહીએ અને માત્ર ગામમાં કામ કરતા રહીએ તો અમે સગર્ભા થઈ જઈએ. લોકડાઉન શરૂ થયું ત્યારે ઘરે રહેતી કિશોરીઓ શું કરશે તેની પેરન્ટ્સને ખબર પડતી ન હતી. પેરન્ટ જોયસ કિન્ટુએ જણાવ્યું કે આ રમત અમને અમારા બાળકોની સંભાળ રાખવામાં મદદરૂપ થઈ છે. તેમને વ્યસ્ત રાખવા માટે અમારી પાસે કોઈ પ્રવૃત્તિઓ ન હતી.
આ રમતમાં છોકરાઓનો પણ યુક્તિપૂર્વક સમાવેશ કરાયો હતો.
નાની વયે છોકરીઓના માતૃત્વની સમસ્યાનો એકમાત્ર ઉકેલ ક્રિકેટ નથી. પરંતુ, તેનાથી છોકરીઓએ ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે તેવા વિશ્વાસના ફરીથી ઘડતરનો પ્રાંરભ થયો છે.