નાઈરોબીઃ કેન્યાની નેરોક કાઉન્ટીના ઓલોરીટ્ટો ગામના ઈમાનુએલ ઓલે તુએરેને ખતમ કરી વારસો મેળવવાની લાલચમાં તેના સગા પુત્ર અને ભાઈએ છ વર્ષ સુધી એક મકાનમાં પૂરી રાક્યાની ઘટના પ્રકાશમાં આવી છે. ભારે તકલીફો છતાં, તેઓ આજ સુધી જીવિત રહ્યા તે પણ ભગવાનની કૃપાને જ આભારી છે. થોડા વર્ષ પહેલા ઈમાનુએલને જીવલેણ અકસ્માત થયો હતો. તેના પછી તે ચાલી શકે તેમ જ ન હતા. અહીંથી જ બધો ખેલ શરૂ થયો. જે લોકો પાસેથી મદદની અપેક્ષા રાખી હતી તે લોકો જ હત્યારા જેવા બની ગયા.
તેમના ભાઈ અને સગા પુત્રે જ તેમને ૨૦૧૪થી રુમમાં પૂરી દીધા હતા. તેઓ પીડા ભોગવે અને અંતે મૃત્યુ થઈ જાય તો તેમની મિલકતનો વારસો મળી શકે તેવો તેમનો હેતુ હતો. છ વર્ષ પછી પોલીસ ઓફિસરો તેમની વહારે આવ્યા હતા. આટલી મોટી વયે અસ્તિત્ત્વ ટકાવી રાખવું તેમના માટે કેટલું અઘરું રહ્યું હશે તે સમજી શકાય તેમ છે. પોલીસે તેમને બચાવ્યા ન હોત તો થોડા સમયમાં જ તેમનું મૃત્યુ થયું હોત. પોલીસે બે શકમંદોની ધરપકડ કરી હતી. તેના પરથી એટલું તો સ્પષ્ટ છે કે તેમણે ઈમાનુએલ સાથે જે વર્તન કર્યું તેથી હવે તેમને કોઈ વારસો મળશે નહિ. આશ્ચર્યની વાત તો એ છે કે આ લોકો તે વડીલની ખૂબ નિકટના હતા, પણ તેમણે જે કર્યું તે અકલ્પનીય છે. પુત્ર વૃદ્ધ અને બીમાર પિતાની સંભાળ રાખે તેવી અપેક્ષા હોય તે જ પોતાના પિતાનું મૃત્યુ ઈચ્છે તે અજુગતુ છે. આ કૃત્ય અનૈતિક છે અને પોલીસે આ મામલાને ગંભીરતાથી લેવો જોઈએ જેથી સમાજમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી માગણી પણ થઈ રહી છે.