વિન્ધોકઃ નામિબીઆમાં સજાતીયતા ગેરકાયદે છે પરંતુ, નામિબીઆના નાગિરકો અને વિદેશી જીવનસાથી વચ્ચે થયેલા સજાતીય લગ્નકરારને સુપ્રીમ કોર્ટે માન્ય ઠરાવ્યા છે. ગયા વર્ષે હાઈ કોર્ટે આવા લગ્નોને અમાન્ય ગણાવ્યા હતા. નામિબીઆના બહાર દેશના બે નાગરિકોએ સજાતીય વિદેશી જીવનસાથીને પરમીટ આપવા હોમ મિનિસ્ટ્રીએ ઈનકાર કર્યા પછી સુપ્રીમ કોર્ટનો સહારો લીધો હતો. સુપ્રીમ કોર્ટે સીમાચિહ્ન ચુકાદામાં જણાવ્યું હતું કે વિદેશમાં કાયદાથી માન્ય સજાતીય લગ્નોના જીવનસાથીને નકારવાનો હોમ મિનિસ્ટ્રીનો નિર્ણય અરજદારોના ગૌરવ અને સમાનતાનો ભંગ કરે છે.
નામિબીઅન નાગરિક એનેટ સેઈલરે જર્મન નાગરિક અનિતા સેઈલર-લિલિઝ સાથે જર્મનીમાં તેમજ નામિબીઅન નાગરિક જોહાન પોટગેઈટર સાઉથ આફ્રિકન પતિ માટ્સોબાને ડેનિયલ દિગાશુ સાથે સાઉથ આફ્રિકામાં લગ્ન કર્યા હતા. આ બંને દેશોમાં સજાતીય લગ્ન કાયદેસર ગણાય છે. અગાઉ, સુપ્રીમ કોર્ટે સજાતીય દંપતીના સરોગસી દ્વારા સાઉથ આફ્રિકામાં જન્મેલા ચાર વર્ષના બાળકને નામિબીઅન નાગરિકતા નહિ આપવાના નીચલી કોર્ટના ચુકાદાને માર્ચ મહિનામાં ઉલટાવી દીધો હતો.