કમ્પાલાઃ યુગાન્ડાના વિપક્ષી નેતા કિઝ્ઝા બેસિગ્યેને ફૂગાવાવિરોધી કૂચની નેતાગીરી કરવા બદલ જામીન નકારાયા હતા અને તેમને હિંસાની ઉશ્કેરણીના ગુનામાં આ મહિનામાં બીજી વખત જેલમાં ધકેલવામાં આવ્યા છે. યુગાન્ડામાં પ્રમુખપદ માટે ચાર વખત ઉમેદવાર રહેલા 66 વર્ષીય બેસિગ્યેની 14 જૂન, મંગળવારે ધરપકડ કરાઈ હતી અને 17 જૂને સુનાવણીમાં તેમને 1 જુલાઈ સુધી કસ્ટડીમાં રાખવા કોર્ટે આદેશ કર્યો છે.
પ્રમુખ યોવેરી મુસેવેનીના પ્રખર ટીકાકાર રહેલા કિઝ્ઝા બેસિગ્યેએ તાજેતરમાં યુગાન્ડામાં જીવનનિર્વાહના વધેલા ખર્ચા સામેના વિરોધપ્રદર્શનોની નેતાગીરી સંભાળી હતી. યુક્રેનયુદ્ધના કારણે સમગ્ર આફ્રિકા ખંડમાં કોસ્ટ ઓફ લિવિંગમાં ભારે વધારો થયો છે. પ્રમુખ મુસેવેનીએ દેશના 45 મિલિયન લોકો પર ટેક્સનો બોજો હળવો કરવાની વિપક્ષી માગને અત્યાર સુધી ઠુકરાવી દીધી છે.