ન્યૂ યોર્ક, ડોડોમાઃ વિશ્વ બેન્કે દક્ષિણ ટાન્ઝાનિયામાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ફાળવેલા 50 મિલિયન ડોલરનું ભંડોળ અટકાવી દીધું છે. રુહા નેશનલ પાર્કના વિસ્તરણ માટેની યોજના માછીમારો અને ભરવાડોની હત્યાઓ અને ગ્રામજનોની જમીનો બળજબરીથી પડાવી લઈ અન્યાયપૂર્ણ હકાલપટ્ટીના આક્ષેપોના કારણે ખોરંભે પડી છે. વિશ્વ બેન્કે ગયા વર્ષે આક્ષેપોમાં તપાસ આરંભી હતી.
ટાન્ઝાનિયાને પ્રવાસન વિકસાવવા 150 મિલિયન ડોલરનું ભંડોળ મંજૂર કરાયું હતું અને તેમાંથી 100 મિલિયન ડોલર આપી દેવાયા હતા. વિશ્વ બેન્કના ટેકા સાથે રેઝિલેન્ટ નેચરલ રિસોર્સીસ મેનેજમેન્ટ ફોર ટુરિઝમ એન્ડ ગ્રોથ (Regrow) પ્રોજેક્ટના અમલમાં અન્યાય અને શોષણ થવાના આક્ષેપો થયા હતા. પ્રવાસન પ્રોજેક્ટ્સમાં માર્ગોના નિર્માણ, વિઝિટિંગ સેન્ટર્સ, વન્યજીવનની દેખરેખ અને સુરક્ષામાં વૃદ્ધિ સહિતનો સમાવેશ થયો હતો.