યુએનઃ યુનાઈટેડ નેશન્સની યુનિસેફ, ફાઓ, હુ સહિતની પાંચ એજન્સીઓએ વિશ્વમાં સૌથી ખરાબ અન્ન કટોકટીથી પીડાતા 15દેશોના 30 મિલિયનથી વધુ કુપોષિત બાળકોને બચાવી લેવા તાત્કાલિક સહાયભંડોળની અપીલ કરી છે. આ દેશોમાં અફઘાનિસ્તાન, બુર્કિના ફાસો, ચાડ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ઈથિયોપિયા, હેઈતી, કેન્યા, માડાગાસ્કર, માલી, નાઈજર, નાઈજિરિયા, સોમાલિયા, સુદાન, સાઉથ સુદાન અને યેમેનનો સમાવેશ થાય છે. અતિ કુપોષિત બાળકોમાંથી 8 મિલિયન બાળકો તો કુપોષણની સૌથી ખરાબ હાલતથી અસરગ્રસ્ત છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ધ યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ક્યૂ ડોંગ્યુએ ચેતવણી આપી છે કે અનાજના આસમાને જતા ભાવથી અનાજની ભારે તંગી સર્જાઈ છે તેમજ પોસાય તેવી કિંમતે પાયારૂપ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. યુદ્ધો, ક્લાઈમેટ ચેઈન્જ અને કોવિડ-19 મહામારીએ પરિસ્થિતિને વધુ વણસાવી છે અને 2023માં તો હાલત વધુ ખરાબ થશે.
યુએન એજન્સીઓએ ઘણો વિલંબ થાય તે પહેલા જ સૌથી ખરાબ અન્ન કટોકટીના કારણે ઉભી થતી અભૂતપૂર્વ જરૂરિયાતોને પહોંચી વળવાના તેમના પ્રયાસોમાં મદદરૂપ બનવા ઈન્વેસ્ટમેન્ટ્સ માટે હાકલ કરી છે. યુએન એજન્સીઓ ખોરાક, આરોગ્ય, પાણી, સુખાકારી, અને સામાજિક સુરક્ષાની પદ્ધતિઓ સહિતના તમામ મોરચાઓ પર કામગીરી કરીને તીવ્ર બાળ કુપોષણને અટકાવવા, શોધવા અને તેની સારવાર કરવા તત્પર છે. આરોગ્યપ્રદ ખોરાક પોસાય તે રીતે પ્રાપ્ય બને તેને સુનિશ્ચિત કરવું આવશ્યક હોવાનું પણ ડોંગ્યુએ જણાવ્યું હતું.
યુએનના એક્શન પ્લાનમાં પાંચ વર્ષથી નીચેના બાળકો, તેમની માતાઓ, સંભાળ લેતી વ્યક્તિઓ તેમજ સગર્ભા અને ધાવણ કરાવતી મહિલાઓ પર ધ્યાન આપવામાં આવશે. કુપોષણ બાળકો માટે ભારે યાતના લાવે છે અને કેટલાક કિસ્સામાં તે જીવલેણ બને છે અથવા બાળકના વિકાસ અને વૃદ્ધિને કાયમી નુકસાન પહોંચાડે છે.