કમ્પાલાઃ યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીએ આફ્રિકન નેતાઓને વિશ્વને હોમોસેક્સ્યુઆલિટીથી બચાવવા હાકલ કરી છે. યુએસ anti-LGBTQ+ hate ગ્રૂપ દ્વારા 2 એપ્રિલ રવિવારે એન્ટેબી ખાતે આયોજિત કોન્ફરન્સમાં પ્રમુખ મુસેવેનીએ કહ્યું હતું કે સમલૈંગિકતા માનવજાતની વંશવૃદ્ધિ માટે જોખમી છે. તેમણે આફ્રિકન નેતાઓને હોમોસેક્સ્યુઆલિટીને પ્રોત્સાહન નહિ આપવા જણાવ્યું હતું.
પ્રમુખ મુસેવેનીએ કેન્યા, ઝામ્બિયા અને સિએરા લિઓન સહિત22 આફ્રિકન દેશોના સાંસદો અને પ્રતિનિધિઓ સમક્ષ જણાવ્યું હતું કે આફ્રિકાએ માનવજાત માટે ખતરનાક વિકૃતિ અને પતનમાંથી વિશ્વને બચાવવા આગેવાની લેવી જોઈએ. જો વિજાતીય લોકો પરસ્પર ગમવાનું છોડી દેશે તો માનવજાતનું પ્રજનન કેવી રીતે આગળ વધશે? આ બે દિવસીય કાર્યક્રમનું આયોજન યુગાન્ડા પાર્લામેન્ટ, આફ્રિકન બાર એસોસિયેશન અને નાઈજિરિયાસ્થિત ફાઉન્ડેશન ફોર આફ્રિકન કલ્ચરલ હેરિટેજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સજાતીયતાવિરોધી હાકલ કરવા સાથે તેમણે ગત મહિને પાર્લામેન્ટમાં પસાર કરાયેલા સમલૈંગિકતાવિરોધી બિલ પર સહી કરી કાયદો બનાવવાનો સંકેત આપ્યો છે. યુગાન્ડાના બિલમાં સક્રિયપણે સજાતીય સંબંધ માટે મૃત્યુદંડ તેમજ સજાતીય પ્રવૃત્તિ આચરવા, તેના માટે ભરતી કરવા, તેના પ્રસાર અને ભંડોળ એકત્ર કરવાની કામગીરી બદલ આજીવન કેદની જોગવાઈ કરાઈ છે.