જ્હોનિસબર્ગ
ગ્લોબલ વોર્મિંગ અટકાવવા સમગ્ર વિશ્વમાં સૌર ઉર્જા પર આધારિત બનવાના અભિયાનો ચલાવવામાં આવી રહ્યાં છે ત્યારે દક્ષિણ આફ્રિકાના એક અંતરિયાળ શહેરે વીજળી માટે પોતાને આત્મનિર્ભર બનાવી દીધું છે. આફ્રિકાનેર ઓરાનિયા શહેરની બહાર સેંકડો સોલર પેનલોની હરોળ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં વીજળીની ભારે અછત પ્રવર્તી રહી છે ત્યારે 2500ની વસતી ધરાવતુ આ નાનકડું શહેર હવે વીજળી માટે આત્મનિર્ભર બની ચૂક્યું છે અને તેને નેશનલ પાવર ગ્રીડ પર આધાર રાખવાની જરૂર રહી નથી. શહેરની મ્યુનિસિપાલિટીના વડા ગેવી સ્નાયમેન કહે છે કે સોલર ફાર્મ અમારા માટે ગેમ ચેન્જર બની રહ્યું છે. તેના કારણે અમારા શહેરમાં વીજળીની સ્થિરતા આવી છે. અમે હવે એનર્જી એક્સપોર્ટર બનવા માગીએ છીએ. આફ્રિકાના સૌથી વિકસિત દેશમાં અત્યારે વીજળીની અછત વર્તાઇ રહી છે. જરીપુરાણા બની ગયેલા થર્મલ પાવર સ્ટેશનો તેના માટે જવાબદાર છે. તાજેતરના વર્ષોમાં દેશમાં અંધારપટની સ્થિતિમાં વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રમુખ રામાફોસાએ એનર્જી રિફોર્મ્સની જાહેરાત કરતાં લોકોને તેમના ઘરો પર સોલાર પેનલો લગાવવા અને વધારાની વીજળી ગ્રીડને વેચવાની અપીલ કરી છે.
ઓરાનિયા શહેર પોતાના મામલાઓનો વહીવટ સ્વાયત્ત રીતે કરે છે. અહીં કેન્દ્રીય સરકાર દખલ કરતી નથી. આફ્રિકાનેર્સની સંસ્કૃતિ બચાવવા માટે આ શહેરની સ્થાપના ઓરેન્જ નદીના કિનારા પર જમીન ખરીદીને કરાઇ હતી. 17મી સદીમાં દક્ષિણ આફ્રિકા આવીને સ્થાયી થયેલા ડચ અને ફ્રેન્ચ લોકોના વારસોને આફ્રિકાનેર્સ કહે છે. શહેરના પ્રવક્તા જૂસ્ટ સ્ટ્રાયડોમ કહે છે કે અમારુ શહેર હવે આખું વર્ષ સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. આ માટે ગયા વર્ષે 10.5 મિલિયન રેન્ડના ખર્ચે મોટા સોલાર ફોર્મનું નિર્માણ શરૂ કરાયું હતુ. ફક્ત 12 મહિના પછી આ સોલાર ફાર્મમાંથી 84 કિલોવોટ પ્રતિ કલાક વીજળીનુ ઉત્પાદન શરૂ થયું હતું જે અડધા શહેર અને આસપાસના ખેતરોને વીજળી પૂરી પાડવા માટે પુરતી હતી.