નાઈરોબીઃ વિપક્ષ દ્વારા ટેક્સવધારા અને મોંઘવારીવિરોધી શ્રેણીબદ્ધ દેખાવોના પગલે કેન્યાની સરકાર અને વિરોધપક્ષો પોતાના મતભેદો ઉકેલવા એક ટીમ રચવા તૈયાર થયા હોવાનું બંને પક્ષના વરિષ્ઠ રાજકારણીઓએ જણાવ્યું છે. વિપક્ષી ગઠબંધન અઝિમિઓ લા ઉમોજા અને શાસક ગઠબંધન કેન્યા ક્વાન્ઝાએ અલગ નિવેદનોમાં મંત્રણા કરાવા બાબતે સમર્થન આપ્યુ છે. અગાઉ પણ સરકાર અને વિપક્ષ વચ્ચે મંત્રણાઓ થઈ હતી પરંતુ, કોઈ ઉકેલ આવ્યો ન હતો.
કેન્યા ક્વાન્ઝાના પાર્લામેન્ટરી મેજોરિટી નેતા કિમાની ઈચુંગવાહે જણાવ્યું હતું કે મંત્રણાઓમાં કેન્યાના ચૂંટણીપંચના ગઠન તેમજ વિપક્ષી નેતાના પદની રચના સહિતના મુદ્દાઓ પર ધ્યાન અપાશે. જોકે, ટેક્સમાં તાજેતરના ફેરફારનો મુદ્દો કોર્ટ સમક્ષ હોનાથી તેના પર વિચારણા નહિ કરાય. બીજી તરફ, કેન્યાની અપીલ્સ કોર્ટે શુક્રવાર 28 જુલાઈએ ફ્યૂલ પરના VATને બમણા કરતા અને નવી હાઉસિંગ લેવી દાખલ કરતા કાયદા પરનું સસ્પેન્શન ઉઠાવી લીધું છે. કોર્ટે જણાવ્યું છે કે સસ્પેન્શન ઉઠાવી લેવાની બાબત 14 દિવસમાં આવનારી અન્ય અપીલ્સ પર આધારિત રહેશે. કાયદાને પડકારતો અન્ય કેસ પણ કોર્ટ સમક્ષ પડતર છે.
અગાઉ, કેન્યાના પીઢ વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાએ સરકાર ટેક્સવધારા અને મોંઘવારીવિરોધી દેખાવો દરમિયાન લોકો પર પોલીસ દ્વારા હિંસાને વખોડી કાઢવા ઉપરાંત, સરકારવિરોધી દેખાવો મુદ્દે વાતચીત કરવા માટે મળવાની પ્રેસિડેન્ટ વિલિયમ રુટોની ઓફરને નકારી કાઢી હતી. વિપક્ષી ગઠબંધન અઝિમિઓ દ્વારા માર્ચ મહિનાથી દેખાવો શરૂ થયા તે પછી અત્યાર સુધી ઓછામાં ઓછાં 50 વ્યક્તિના મોત થયાનો દાવો કરાયો છે. જોકે, સત્તાવાર આંકડો 20 મોત ગણાવે છે.