માપુટોઃ ઉત્તર મોઝામ્બિકના કાબો ડેલ્ગાડોમાં ઈસ્લામી વિદ્રોહીઓનું મૂળ હોવાને પગલે રવાન્ડાના દળોએ કેન્યા અને ટાન્ઝાનિયાને ચેતવણી આપી હતી. હાઈ એલર્ટ પર રહેલી ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ત્યાં નાસી છૂટેલા કેટલાંક શકમંદોના પુનઃ પ્રવેશ પછી આ ચેતવણી આપી હતી. તાજેતરમાં કેન્યા અને ટાન્ઝાનિયામાં આતંકવાદ સંબંધિત ઘણી ઘટનાઓ થઈ. સિક્યુરિટી એક્સપર્ટ્સનું કહેવું છે કે તેઓ કાબો ડેલ્ગાડોથી અન્ય સ્થળે ખસી રહ્યા છે. જે આ પ્રાંતની સુરક્ષા એજન્સીઓ માટે નવો માથાનો દુઃખાવો બની રહેશે.
તાજેતરમાં ૨૯ વર્ષીય હમઝા હસન મોહમદને પોલીસે ઠાર માર્યો તે પહેલા તેણે ટાન્ઝાનિયામાં ત્રણ પોલીસ ઓફિસર સહિત ચાર લોકોની હત્યા કરી હતી. આ ઘટનામાં અન્ય છ લોકો ઘવાયા હતા.
કેન્યાના સિક્યુરિટી ઓફિસરોએ મોમ્બાસામાં એક ટાન્ઝાનિયન સહિત બે શકમંદ આતંકવાદીઓની ધરપકડ કરી અને તેમની કારમાંથી બે એકે - ૪૭ રાઈફલ તથા વિસ્ફોટક મળી આવ્યા તેના બે દિવસ પછી જ આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૭ એપ્રિલ, ૨૦૧૨ના દિવસે ઠાર મરાયેલા ઉદામવાદી મુસ્લિમ ધર્મગુરુની વરસીએ કેટલીક ઈમારતો ઉડાવી દેવાની તેમના પર શંકા હતી.
આ બન્ને ઘટના સીધી રીતે એકબીજા સાથે સંકળાયેલી નથી પરંતુ, તેને લીધે બન્ને દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી. તેમને દહેશત હતી કે કાબો ડેલ્ગાડોના હિંસક રહીશો પૂર્વ આફ્રિકામાં તેમના વતન પાછા ફરી રહ્યા છે અને તેમની હાજરીને લીધે આ પ્રદેશમાં ઉદામવાદ અને આતંકનું નવું મોજું ફરી વળશે.